અમદાવાદ એરપોર્ટ પર વાવાઝોડાને પગલે તકેદારીના ભાગરૂપે સોમવારે સાંજે 7.30 વાગ્યાથી તમામ ફ્લાઇટોનું સંચાલન સ્થગિત કરાયું હતું, જેના પગલે પેસેન્જરો ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે પાર્કિંગ ટોલ બૂથ પર પાર્કિંગ ચાર્જ વસૂલ કરવા બાબતે ટોલ કર્મચારીઓ અને પેસેન્જરો વચ્ચે રકઝક થઈ હતી.
એરપોર્ટથી રાતે પરત ફરી રહેલા પ્રાઇવેટ ટેક્સીચાલકે જણાવ્યું કે, રાતે સંબંધીનો ફરી ફોન આવ્યો કે એરપોર્ટ બંધ કરાતા તમામ ફ્લાઇટ કેન્સલ થઈ છે, તેથી સંબંધીને લઈ જ્યારે બહાર નીકળ્યા ત્યારે ફરીથી તેમની પાસે પાર્કિંગ ચાર્જ મગાયો હતો. અન્ય પેસેન્જરોએ પણ આવી ફરિયાદ કરી હતી. જોકે કર્મચારીઓ ચાર્જ વસૂલ કરવા મક્કમ રહેતા વિવાદ થયો હતો.
લગભગ 45 મિનિટ સુધીના વિવાદ બાદ એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ ટોલ બૂથ પર આવતા મામલો થાળે પડ્યો હતો. જોકે પાછળથી એરપોર્ટના અધિકારીઓએ પોલીસની મદદ લઈ અન્ય પેસેન્જરો પાસે પાર્કિંગ ચાર્જ વસૂલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.