ગયા વર્ષે ભારતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અમેરિકન ફંડિંગનો દાવો કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હંગામો મચાવી દીધો છે. ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે યુએસ એજન્સી USAID દ્વારા 21 મિલિયન ડોલરનું ભંડોળ રદ કર્યા બાદ હવે ભારત સરકાર એક્શનમાં આવી છે. શુક્રવારે, વિદેશ મંત્રાલયે આ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે દેશના આંતરિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપના અહેવાલો ચિંતાજનક છે. સરકારે કહ્યું છે કે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગયા બુધવારે, ડોનાલ્ડ ટ્રમ્પે USAID ફંડિંગ રદ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે આ પૈસાનો ઉપયોગ ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે કરવામાં આવ્યો હતો.
“અમે અમેરિકન પ્રશાસન દ્વારા અમેરિકન પ્રવૃત્તિઓ અને ભંડોળ વિશે આપવામાં આવેલી માહિતી જોઈ છે. આ અહેવાલો સ્પષ્ટપણે ચિંતાજનક છે. આનાથી ભારતના આંતરિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપ અંગે ચિંતા વધી છે,” વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું. રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે સંબંધિત વિભાગ અને અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે અને હાલમાં આ મામલે કોઈ જાહેર ટિપ્પણી કરવી યોગ્ય નથી.
નોંધનીય છે કે 16 ફેબ્રુઆરીના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) એ જાહેરાત કરી હતી કે તેણે ભારતને USAID ફંડિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે જેમાં અનેક પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભંડોળ પર પણ સવાલ ઉઠાવતા પૂછ્યું, “ભારતમાં મતદાન કરવા માટે આપણે 21 મિલિયન ડોલર ખર્ચવાની કેમ જરૂર છે? ૨૧ મિલિયન ડોલર! મને લાગે છે કે તેઓ બીજા કોઈને ચૂંટણી જીતવામાં મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ટ્રમ્પના દાવાઓ પછી, ભારતમાં આરોપો અને પ્રતિ-આરોપોનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે આ ભંડોળ દ્વારા કોંગ્રેસ દ્વારા ભાજપને ત્રીજી વખત સત્તામાં આવતા અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તે જ સમયે, કોંગ્રેસે USAID ના ભાજપ નેતા સ્મૃતિ ઈરાની સાથેના સંબંધોનો ઉલ્લેખ કરીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. દરમિયાન, ઇન્ડિયન એક્સપ્રેસે તાજેતરમાં ટ્રમ્પના દાવાઓને નકારી કાઢતો એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ મુજબ, 2022 માં 21 મિલિયન ડોલરનું ભંડોળ ભારત માટે નહીં, પરંતુ બાંગ્લાદેશ માટે ફાળવવામાં આવ્યું હતું.