ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી પોલીસે ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. આ લોકો ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. શનિવારે આ અંગે માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ પોલીસની SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમ પાસેથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે પોલીસે શુક્રવારે રંગપર વિસ્તારમાં એક મકાનમાં ભાડે રહેતા બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જ્યારે શનિવારે એક મહિલાની બંનેને મદદ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું કે, આ ત્રણેયની ઓળખ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના સોહેલ હુસૈન યાકુતાલી (30), રિપન હુસૈન અમીરુલ ઇસ્લામ (28) અને હિના ખુર્શીદ (34) તરીકે થઈ છે.
SOG અધિકારીએ કહ્યું, ‘ત્રણેય આરોપીઓની ભારતમાં ગેરકાયદેસર રોકાણ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.’ ઉપરાંત, તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ છે કે કેમ તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બંને પુરુષોએ સ્વીકાર્યું છે કે તેઓ બાંગ્લાદેશના છે અને છેલ્લા બે મહિનાથી અહીં રહી રહ્યા હતા, જ્યારે મહિલાએ દાવો કર્યો છે કે તે બે વર્ષ પહેલા અહીં આવી હતી અને તે પહેલાં 6-7 વર્ષ સુધી મુંબઈમાં રહી હતી.