મહારાષ્ટ્રના પુણેમાં એક વ્યક્તિએ પોતાના 9 વર્ષના પુત્રને માર મારીને હત્યા કરી દીધી. અહેવાલ મુજબ, તેણે પોતાના પુત્રની હત્યા એટલા માટે કરી કારણ કે તે ગુસ્સે હતો કે તે યોગ્ય રીતે અભ્યાસ કરતો નથી. હત્યા બાદ પરિવારે પણ મામલો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે દાવો કર્યો હતો કે બાળક અચાનક બેભાન થઈ ગયું હતું અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું અને બળજબરીથી અંતિમ સંસ્કાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, મૃતદેહને બાળતા પહેલા પોલીસે તેને ચિતા પરથી ઉતારી લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકનું મૃત્યુ ગંભીર ઈજાઓને કારણે થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, વિજય ભંડલકર સ્થાનિક ગ્રામ પંચાયત કચેરીમાં પટાવાળા તરીકે કામ કરતા હતા અને તેમની પત્ની થોડા વર્ષો પહેલા તેમને છોડીને ચાલી ગઈ હતી. મંગળવારે બપોરે લગભગ 2.30 વાગ્યે, જ્યારે બાળક ઘરે હતો, ત્યારે વિજયે તેને અભ્યાસમાં ધ્યાન ન આપવા બદલ ઠપકો આપવાનું શરૂ કર્યું. ગુસ્સામાં આવીને તેણે કથિત રીતે તેના પુત્રનું માથું દિવાલ સાથે અથડાવ્યું અને તેનું ગળું દબાવી દીધું.
પોલીસે જણાવ્યું કે વિજય અને પરિવારના અન્ય સભ્યો બાળકના મૃતદેહને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. તેમણે જણાવ્યું કે બાળક અચાનક પડી ગયું અને બેભાન થઈ ગયું. જોકે, ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો. પરિવારે તેના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું અને આસપાસના લોકોને ખોટી વાર્તા પણ કહી. પરિવારના શંકાસ્પદ વર્તનને કારણે, કેટલાક સ્થાનિક લોકોએ રાત્રે નવ વાગ્યે પોલીસને જાણ કરી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે છોકરાનો મૃતદેહ સ્મશાનગૃહમાં ચિતા પર પડ્યો હતો. ઘણી મહેનત બાદ પોલીસે મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો. રિપોર્ટમાં ખુલાસો થયો કે છોકરાનું મૃત્યુ ગળું દબાવવાથી થયું છે. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે જણાવ્યું હતું કે મંગળવારે બનેલી ઘટના સંદર્ભે વડગાંવ નિમ્બાલકર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસમાં બાળકના પિતા વિજય ગણેશ ભંડાલકર, દાદી શાલન ભંડાલકર અને કાકા સંતોષ સોમનાથ ભંડાલકરની ધરપકડ કરવામાં આવી છે.