બીસીસીઆઈની ખાસ સામાન્ય સભા (એસજીએમ) માં નવા સેક્રેટરીની જાહેરાત કરવામાં આવી છે. દેવજીત સૈકિયા બીસીસીઆઈના નવા સેક્રેટરી બન્યા છે. તેઓ જય શાહનું સ્થાન લેશે. જય શાહ ICCના ચેરમેન બન્યા બાદ આ પદ ખાલી પડ્યું હતું.
તેઓ વચગાળાના સચિવ તરીકે કાર્યરત હતા.
૧ ડિસેમ્બરના રોજ જય શાહના ગયા બાદથી સૈકિયા બીસીસીઆઈના વચગાળાના સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. BCCI બંધારણમાં એવી જોગવાઈ છે કે કોઈપણ ખાલી જગ્યા 45 દિવસની અંદર SGM બોલાવીને ભરવાની રહેશે અને રવિવારની બેઠક તે સમયમર્યાદામાં આવી કારણ કે તે 43મા દિવસે યોજાઈ હતી.
પ્રભતેજ સિંહ ભાટિયા BCCI ના ખજાનચી તરીકે નિયુક્ત
રવિવારે BCCI સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM) માં સૈકિયાની સાથે, પ્રભતેજ સિંહ ભાટિયાને પણ સત્તાવાર રીતે BCCI ટ્રેઝરર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ભાટિયા આશિષ શેલારનું સ્થાન લેશે, જેમણે તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારમાં પદ સંભાળ્યા બાદ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
તમને જણાવી દઈએ કે મંગળવારે BCCI રિટર્નિંગ ઓફિસર અને ભારતના ભૂતપૂર્વ CEC અચલ કુમાર જોતી દ્વારા યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા બાદ ખાલી પડેલા પદો માટે સાકિયા અને પ્રભતેજ એકમાત્ર ઉમેદવાર હતા.
જાણો કોણ છે દેવજીત સૈકિયા ?
દેવજીત સૈકિયાનું ક્રિકેટ કરિયર ખૂબ જ ટૂંકું હતું. તેમણે ૧૯૯૦ અને ૧૯૯૧ વચ્ચે ફક્ત ચાર ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં ૫૩ રન બનાવ્યા અને ૯ વિકેટ લીધી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તે વકીલ બન્યો. તેમણે ગુવાહાટી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી.