શુક્રવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક ધાર્મિક કાર્યક્રમમાં મફત ભોજન ખાવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી ગઈ અને ઓછામાં ઓછી ત્રણ મહિલાઓના મોત થયા. પાંચ બાળકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉમય્યાદ મસ્જિદમાં ગરીબોને મફત ભોજન પૂરું પાડવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો.
સીરિયન સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, આ ઘટના સેલિબ્રિટી શેફ અબુ ઓમરી અલ-દિમાશ્કી દ્વારા પ્રમોટ કરાયેલા ભોજન સમારંભ દરમિયાન બની હતી. તેમણે દમાસ્કસના જૂના શહેરમાં આવેલી ઐતિહાસિક મસ્જિદના પ્રાંગણમાં જાહેર જનતાને મફત ભોજન માટે આમંત્રણ આપ્યું.
સ્થાનિક સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ભીડ નિયંત્રણના પગલાંના અભાવ વચ્ચે મસ્જિદના પ્રાંગણ અને આસપાસના વિસ્તારોમાં મોટી ભીડ એકઠી થઈ હતી, જેના કારણે અંધાધૂંધી સર્જાઈ હતી. તેમણે કહ્યું કે સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને હાજર લોકોની ભીડને કાબુમાં લેવા માટે રસ્તાઓ બંધ કરી દીધા.
નોંધનીય છે કે દમાસ્કસના સૌથી પ્રતિષ્ઠિત સ્થળોમાંની એક, ઉમય્યાદ મસ્જિદ સામાન્ય રીતે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સીરિયન સરકારના અચાનક પતન પછી તાજેતરમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ હતી, જેના કારણે શહેરની સુરક્ષા અને જાહેર સેવાઓ હજુ સુધી પુનઃસ્થાપિત થઈ શકી નથી.