ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધાજનક રોડ નેટવર્ક પ્રદાન કરવા માટે વધુ એક મહત્વપૂર્ણ લોકલક્ષી નિર્ણય લીધો છે. આ હેતુસર મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રોડ બ્રિજના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ 32 રસ્તાઓ પર નવા મોટા અને નાના પુલ બનાવવા માટે રૂ. 778.74 કરોડની દરખાસ્તને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ રાજ્યના સર્વાંગી વિકાસને અનુરૂપ માર્ગ માળખાને વધુ મજબૂત કરીને નાગરિકો તેમજ ઉદ્યોગ-વ્યવસાયને પરિવહનની સરળતા પૂરી પાડવાનું વિઝન અપનાવ્યું છે. એટલું જ નહીં, લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ આપવા માટે જૂના અને નબળા હયાત પૂલ અને સ્ટ્રક્ચરની જગ્યાએ પુનઃનિર્માણ અને સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં રસ્તાઓ પરના સાંકડા પૂલના માળખાને પહોળો કરવાનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવા 265 કામો માટે કુલ 1307 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. માર્ગ બાંધકામ વિભાગ દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાયેલા 32 રસ્તાઓ પર નવા મોટા અને નાના પૂલ બનાવવા માટે રૂ. 778.74 કરોડની દરખાસ્તને તેમણે મંજૂરી આપી હતી.
આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા બે વર્ષમાં 297 વિવિધ રોડ માળખાકીય સુધારણાના કામો માટે કુલ રૂ. 2086 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીના આ જાહેર નિર્ણયના પરિણામે આગામી દિવસોમાં નાગરિકોને વધુ સુવિધાજનક રોડ નેટવર્ક મળશે, વાહનવ્યવહાર સરળ બનશે અને જીવનની સરળતા પણ વધશે.