ભારતીય નૌકાદળની સ્પીડ બોટ મુંબઈના દરિયાકાંઠે મુસાફરોથી ભરેલી બોટ સાથે અથડાયાના બે દિવસ બાદ, નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ શુક્રવારે પશ્ચિમી નૌકા કમાન્ડના મુખ્યાલયની મુલાકાત લીધી હતી અને અકસ્માત અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ બુધવારે બપોરે જ્યાં દુર્ઘટના થઈ હતી તે સ્થળનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું.
બુધવારે નૌકાદળની બોટ ટકરાઈ હતી
બુધવારે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એક મોટી દુર્ઘટના થઈ જ્યારે નૌકાદળના જહાજ પેસેન્જર બોટને ટક્કર મારી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને લગભગ 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ અકસ્માત પહેલા નેવલ બોટ અરબી સમુદ્રમાં ચક્કર લગાવી રહી હતી. મળતી માહિતી મુજબ પેસેન્જર બોટ ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા આઈલેન્ડ તરફ જઈ રહી હતી. અથડામણ બાદ પલટી ગયેલી પેસેન્જર બોટ ‘નીલ કમલ’માં 100થી વધુ મુસાફરો સવાર હતા.
નીલકમલ પર ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા
આ કેસની તપાસ કરી રહેલા મુંબઈ પોલીસ અધિકારીએ અકસ્માતને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ગેટવે ઓફ ઈન્ડિયા પર નૌકાદળના જહાજ સાથે અથડાયા બાદ પલટી ગયેલી પ્રવાસી બોટ નીલકમલની ક્ષમતા 90 મુસાફરોની હતી, પરંતુ દુર્ઘટના સમયે તેમાં 100થી વધુ મુસાફરો સવાર હતા. મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, પ્રવાસી બોટમાં 84 મુસાફરો અને છ ક્રૂ સભ્યોને લઈ જવાની ક્ષમતા હતી.
નેવીએ તપાસ માટે ‘બોર્ડ ઓફ ઈન્ક્વાયરી’ની રચના કરી
આ મામલાની તપાસ માટે નેવીએ ગુરુવારે ‘બોર્ડ ઓફ ઈન્ક્વાયરી’ની રચના કરી હતી. જુલાઇ મહિનાની શરૂઆતમાં યુદ્ધ જહાજ INS બ્રહ્મપુત્રામાં આગ લાગ્યા બાદ પણ નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ મુંબઈની મુલાકાત લીધી હતી.