મેજિકવિન જુગાર એપ સંબંધિત કેસમાં EDએ બોલિવૂડ અને નાના પડદાના કલાકારોને સમન્સ મોકલ્યા છે. EDએ આ કેસમાં બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા સેહરાવત અને પૂજા બેનર્જીને સમન્સ પાઠવ્યા છે. EDએ આ કેસમાં પૂજા બેનર્જીની પૂછપરછ કરી છે. જ્યારે મલ્લિકા શેરાવતે મેલ દ્વારા સમન્સનો જવાબ આપ્યો છે.
જુગાર એપ મેજિકવિન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે. મલ્લિકા શેરાવત અને પૂજા બેનર્જી ઉપરાંત EDએ બે વધુ મોટી હસ્તીઓને પણ સમન્સ પાઠવ્યા છે જેમને શુક્રવાર અને શનિવારે પૂછપરછમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યા છે. આગામી સપ્તાહે ED વધુ 7 મોટા સેલેબ્સ, ટીવી કલાકારો અને કોમેડિયનને પણ સમન્સ મોકલશે.
મની લોન્ડરિંગ કેસમાં દરોડો પાડવામાં આવ્યો હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર, મલ્લિકા શેરાવતે ઈમેલ દ્વારા ઈડીને પોતાનો જવાબ આપ્યો હતો જ્યારે પૂજા બેનર્જી ઈડીની અમદાવાદ ઓફિસમાં પૂછપરછમાં હાજર રહી હતી. EDએ “MagicWin” સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી, મુંબઈ અને પુણેમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડામાં ઘણા દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને 30 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ઇડીએ અમદાવાદ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ માટે નોંધાવેલી FIR પર તેની તપાસ શરૂ કરી હતી જેમાં મેજિકવિન અને અન્ય ઘણી એપ્સને આરોપી બનાવવામાં આવી હતી.
શું છે મામલો?
એવો આરોપ છે કે મેજિકવિન દ્વારા મેન્સ ટી20 વર્લ્ડ કપનું ગેરકાયદે પ્રસારણ કરવામાં આવ્યું હતું. આના દ્વારા ઓનલાઈન સટ્ટાબાજી પણ કરવામાં આવતી હતી. EDની તપાસમાં સામે આવ્યું છે કે MagicWin એક ગેમિંગ વેબસાઇટ છે જેના માલિક પાકિસ્તાની નાગરિક છે. કેટલાક ભારતીય નાગરિકો દુબઈમાં બેસીને આ વેબસાઈટ ઓપરેટ કરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે વેબસાઇટ પર જે ગેમ્સ પર સટ્ટાબાજી બતાવવામાં આવી હતી તે ફિલિપાઇન્સ અને અન્ય દેશોમાં રમાય છે અને ત્યાં તેના પર સટ્ટો રમવો કાયદેસર છે.
EDએ 3 કરોડ 55 લાખ રૂપિયા જપ્ત કર્યા છે
EDની તપાસમાં ખુલાસો થયો છે કે ખેલાડીઓ અને બુકીઓ દ્વારા ગેમમાં રોકાયેલા પૈસા શેલ કંપની દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યા હતા અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવામાં આવ્યું હતું. જે દુબઈમાં રોકડ કરવામાં આવી હતી. આ કેસમાં ED અત્યાર સુધીમાં 68 વખત સર્ચ ઓપરેશન કરી ચૂક્યું છે. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મની લોન્ડરિંગ કેસમાં અત્યાર સુધીમાં 3 કરોડ 55 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.