મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના વર્ષ-૨૦૨૪-૨૫ અન્વયે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે જિલ્લા કક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમિતિ દ્વારા જિલ્લામાં પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌ માતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપવામાં આવી હતી.
આ યોજના અંતર્ગત જુલાઈ -૨૦૨૪ થી સપ્ટેમ્બર-૨૦૨૪ (દ્વિતીય હપ્તો વર્ષ ૨૦૨૪-૨૫ ) માટે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કુલ ૨૧૧ સંસ્થાઓની અરજી મળી હતી. જે પૈકી કુલ ૧૭ સંસ્થાઓના દૈનિક પશુઓની સંખ્યા ૧૦૦૦ થી વધુ હોઈ જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાજ્ય કક્ષાની સમિતિને નિર્ણય અર્થે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ,ગાંધીનગરને મોકલવામાં આવી હતી. જ્યારે જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧૦૦૦ થી ઓછી ધરાવતી કુલ ૧૯૧ સંસ્થાઓની અરજીઓ મંજુર કરી ચુકવણા અર્થે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી હતી.જયારે ત્રણ સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરાઈ હતી.
જિલ્લાની કુલ ૨૧૧ સંસ્થાઓના ૮૨,૪૫૯ પશુઓ માટે કુલ રૂ.૨૨.૭૬ કરોડ રૂપિયાની સહાય મંજુર કરી ચુકવણા માટે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જિલ્લાની ગૌશાળા -પાંજરાપોળને પશુઓના નિભાવ માટે ત્રેવીસ કરોડ જેટલી માતબર રકમની સહાય મંજુર કરવાથી ગૌશાળા/પાંજરાપોળોને આર્થિક મદદ મળી રહેશે.
આ બેઠકમાં ઈ/ચા જિલ્લા વિકાસ અધિકારી સી.પી.પટેલ, જિલ્લા કક્ષાના પ્રતિનિધિ, નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, સભ્ય સચિવ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.