અગરતલામાં બાંગ્લાદેશ મિશન પર હુમલો કરનાર સંગઠનની રચના એક અઠવાડિયા પહેલા જ થઈ હતી. આ હુમલા બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારે પણ નામ લઈને સંગઠનની ટીકા કરી હતી. હિન્દુ સંઘર્ષ સમિતિ નામના આ સંગઠને બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય દાસ પ્રભુની ધરપકડ બાદ પોતાની નારાજગી દર્શાવવા માટે અગરતલામાં બાંગ્લાદેશ મિશનમાં તોડફોડ કરી અને ત્યાંથી બાંગ્લાદેશી ધ્વજ પણ હટાવી દીધો. આ ઘટના બાદ પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી, જેમને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. VHP અને બજરંગ દળે આ ઘટનામાં કોઈ સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસા વચ્ચે આવા સંગઠનોની સંખ્યા સતત વધી રહી છે. નવા રચાયેલા સંગઠનના નેતા શંકર રોયે જણાવ્યું હતું કે આરએસએસ અને વીએચપી જેવા સમાન વિચાર ધરાવતા જૂથોને મદદ કરવા માટે આ જૂથની રચના વિદ્યાર્થી સંગઠન તરીકે કરવામાં આવી હતી. અમારો સૌથી મોટો ધ્યેય બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે એકજૂથ થઈને જનતાને જાગૃત કરવાનો છે. ત્યાં સંતો પર અત્યાચાર થઈ રહ્યો છે, તેથી અમે અહીં આ વિરોધ પ્રદર્શન કર્યું.
હાલમાં જ બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારી ચિન્મય દાસની ધરપકડ બાદ બંને દેશો વચ્ચે પહેલાથી જ ખરાબ સંબંધો વધુ બગડવા લાગ્યા હતા. બાંગ્લાદેશમાં પણ પોલીસ અને ચિન્મય પ્રભુના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
ચિન્મય પ્રભુની ધરપકડ બાદ જ હિન્દુ સંઘર્ષ સમિતિના સભ્યોએ ગયા અઠવાડિયે બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશનમાં તોડફોડ કરી અને ત્યાંથી બાંગ્લાદેશી ધ્વજ ઉતારી લીધો. આ ઘટના બાદ પોલીસે આ લોકોની ધરપકડ કરી હતી અને બાદમાં તેઓને જામીન પર છોડવામાં આવ્યા હતા.
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના નેતાઓએ હિંદુ સંઘર્ષ સમિતિ સાથેના તેમના સંબંધોને નકાર્યા નથી. પરંતુ બાંગ્લાદેશી હાઈ કમિશન પર થયેલા હુમલા અંગે તેમણે કહ્યું કે અમે કોઈપણ પ્રકારની હિંસાની નિંદા કરીએ છીએ. બાંગ્લાદેશી મિશન પરના આ હુમલા સાથે અમારે કોઈ લેવાદેવા નથી.
હિંદુ સંઘર્ષ સમિતિ ઉપરાંત, ‘વૈદિક બ્રાહ્મણ સમાજ’, ‘જાગો હિંદુ જાગો’ અને ‘સનાતની યુવા’ નામના સંગઠનો પણ અગરતલામાં તેમજ બાંગ્લાદેશ સરહદ પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે ‘સનાતની એક્ય મંચ’ આસામમાં વિરોધ કરી રહ્યા છે.
બાંગ્લાદેશી આસિસ્ટન્ટ હાઈ કમિશન પર થયેલા હુમલાને લઈને VHP દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. વરિષ્ઠ નેતા પૂર્ણ ચંદ્ર મંડલે આ હિંસક ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે મને લાગે છે કે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તેના કારણે લોકોના મનમાં દર્દ છે. જે ઘટના બની તે લોકોની વેદના જ દર્શાવે છે. તેમણે કહ્યું કે જો ત્યાંની પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો અમે અમારો વિરોધ ચાલુ રાખીશું અને ભારત સરકારને પણ અપીલ કરીશું કે બાંગ્લાદેશને રાહત આપવા માટે મોકલવામાં આવતી સામગ્રીને રોકવામાં આવે.