IPL 2024 મેગા ઓક્શન દરમિયાન, દિલ્હી કેપિટલ્સ સમાચારમાં રહી કારણ કે તેણે ટોચના ખેલાડીઓને ખૂબ જ સસ્તા ભાવે ખરીદ્યા હતા. અત્યાર સુધી એવી અટકળો હતી કે KL રાહુલ IPL 2025માં DC ટીમની કમાન સંભાળી શકે છે, પરંતુ હવે એક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે ટીમની કમાન અભિષેક પોરેલને સોંપવામાં આવી શકે છે. અભિષેક હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વ્યસ્ત છે, જ્યાં તાજેતરમાં તેણે 31 બોલમાં 61 રન બનાવીને બંગાળ માટે સનસનાટી મચાવી દીધી હતી.
રેવ સ્પોર્ટ્સ અનુસાર, આ વખતે દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કેએલ રાહુલ, અક્ષર પટેલ અથવા ફાફ ડુપ્લેસીસ જેવા અનુભવી સ્ટાર્સને નહીં પરંતુ યુવા અભિષેક પોરેલને સોંપવામાં આવશે. અભિષેક પોરેલ એક વિકેટકીપર બેટ્સમેન છે, જેણે વર્ષ 2023માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા IPLમાં ડેબ્યૂ કર્યું હતું. IPL 2025 માટે દિલ્હીએ પોરેલને રૂ. 4 કરોડમાં જાળવી રાખ્યો હતો. તેણે તેની IPL કરિયરમાં અત્યાર સુધી 18 મેચ રમી છે, જેમાં તેના નામે 360 રન છે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જોરદાર પ્રદર્શન
અભિષેક પોરેલ અત્યારે સારા ફોર્મમાં છે અને સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં બંગાળ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ ટૂર્નામેન્ટમાં તેણે 5 મેચમાં 52ની શાનદાર એવરેજથી 208 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તે 158.77ના તોફાની સ્ટ્રાઇક રેટથી રમ્યો છે અને બે અડધી સદીની ઇનિંગ્સ પણ રમી છે. એ પણ નોંધનીય છે કે પોરેલને હજુ સુધી ઉચ્ચ સ્તરીય ક્રિકેટમાં કેપ્ટનશિપનો કોઈ અનુભવ નથી. જ્યાં સુધી કેએલ રાહુલનો સવાલ છે, દિલ્હીએ તેને હરાજીમાં 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે 2022 થી લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) ની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, પરંતુ મેગા ઓક્શન પહેલા તેને મુક્ત કરવામાં આવ્યો હતો.