ન્યુ પાલનપુર સંકલન સમિતિ દ્વારા તિરુપતિ રાજનગર મંદિર પરિસર,પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ નીકાળવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વડીલોએ ઉપસ્થિત રહીને સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો હતો.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી વિશ્વની સૌથી મોટી હેલ્થ યોજના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની છે. આ યોજનામાં કોઈપણ આવક મર્યાદા વગર ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને ૧૦ લાખ સુધીની આરોગ્ય સારવાર નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી પણ કટિબદ્ધ છે.
આ કેમ્પ અંગે રાજનગર પરિવારના પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આ યોજના વડીલો માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ કેમ્પ થકી કુલ ૬૪ વડીલોએ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા. વૃદ્ધો ધક્કા ના ખાય એ માટે ન્યુ પાલનપુર સંકલન સમિતિ દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી વિસ્તારના તમામ વડીલો માટે આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી, કોર્પોરેટર, વિવિધ સોસાયટીના પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.