બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર સતત હુમલા અને દમન વચ્ચે વધુ એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) એ આ વાતની પુષ્ટિ કરી છે. ધરપકડ કરાયેલા પૂજારીની ઓળખ શ્યામ દાસ પ્રભુ તરીકે કરવામાં આવી છે, જે કથિત રીતે જેલમાં બંધ આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસને મળવા ગયો હતો.
એનડીટીવીના અહેવાલ મુજબ, શ્યામ દાસ પ્રભુની ચિત્તાગોંગ પોલીસે કોઈપણ સત્તાવાર વોરંટ વિના ધરપકડ કરી હતી. આ ઘટના બાદ હિન્દુ સમુદાય અને ધાર્મિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ધરપકડ પર સખત વિરોધ વ્યક્ત કરતા, ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે સોશિયલ મીડિયા પર લખ્યું, “આજે ચિત્તાગોંગ પોલીસે બીજા બ્રહ્મચારી શ્યામ દાસ પ્રભુની ધરપકડ કરી છે.”
પહેલેથી જ તણાવપૂર્ણ વાતાવરણ
આ પહેલા સોમવારે ઈસ્કોનના પૂર્વ સભ્ય અને આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે તેને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેનાથી હિંદુ સમુદાયમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ વધી ગયું હતું.
ઇસ્કોને ધરપકડનો વિરોધ કર્યો હતો
ઈસ્કોન અને અન્ય હિંદુ સંગઠનોએ આ ધરપકડની સખત નિંદા કરી છે. રાધારમણ દાસે કહ્યું કે આ કાર્યવાહી લઘુમતી હિંદુ સમુદાયને ડરાવવા અને ધાર્મિક સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ છે. તેમણે બાંગ્લાદેશ સરકારને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આ ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.