ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌને નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ભારતમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સિદ્ધાર્થે ટીમ ઈન્ડિયા માટે 3 ODI અને 3 T20 મેચ રમી છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે. સિદ્ધાર્થ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સહિત ઘણી ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. પરંતુ આઈપીએલ 2024ની હરાજીમાં કોઈ ટીમે તેને ખરીદ્યો ન હતો.
વાસ્તવમાં સિદ્ધાર્થે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ દ્વારા તેણે જણાવ્યું કે તેણે ભારતમાં ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તે વિરાટ કોહલીની કપ્તાની હેઠળ અંડર 19 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો છે. તે અને કોહલી 2008માં એક જ ટીમનો ભાગ હતા. સિદ્ધાર્થ કૌલે 2018માં સિનિયર ટીમ ઈન્ડિયા માટે પોતાની ડેબ્યૂ ODI મેચ રમી હતી. તે જ વર્ષે તેણે તેની ડેબ્યૂ ટી20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી હતી.
સિદ્ધાર્થ આઈપીએલમાં હૈદરાબાદની સાથે આ ટીમો માટે રમ્યો છે
સિદ્ધાર્થને 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદે ટીમમાં સામેલ કર્યો હતો. આ પહેલા તેણે 2013માં આઈપીએલની ડેબ્યૂ મેચ રમી હતી. હૈદરાબાદની સાથે સિદ્ધાર્થ કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે. સિદ્ધાર્થ આઈપીએલમાં અત્યાર સુધીમાં 54 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 58 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન મેચમાં 29 રનમાં 4 વિકેટ લેવાનું હતું.
તેણે ટીમ ઈન્ડિયા માટે આ રીતે કર્યું પ્રદર્શન
સિદ્ધાર્થે ટીમ ઈન્ડિયા માટે 3 વનડે મેચ રમી છે. જોકે તેને એક પણ વિકેટ મળી ન હતી. તેણે તેની છેલ્લી વનડે 2018માં અફઘાનિસ્તાન સામે રમી હતી. છેલ્લી T20 મેચ 2019માં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી. સિદ્ધાર્થે ભારત માટે 3 T20 મેચમાં 4 વિકેટ ઝડપી છે.