રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરતા તેમને અનુભવી અને શાણા નેતા ગણાવ્યા હતા. જોકે, તેમણે ટ્રમ્પની સુરક્ષાને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેણે ટ્રમ્પને સાવચેત રહેવા કહ્યું છે. કઝાકિસ્તાનમાં એક સમિટ બાદ પત્રકારો સાથે વાત કરતા પુતિને કહ્યું કે તેઓ એ જાણીને આશ્ચર્યચકિત થયા છે કે અમેરિકામાં ચૂંટણી દરમિયાન ટ્રમ્પ વિરુદ્ધ ઊંડું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
પુતિને કહ્યું કે જુલાઈમાં પેન્સિલવેનિયામાં થયેલા હુમલા બાદ ફ્લોરિડામાં ગોલ્ફ કોર્સમાં ટ્રમ્પની હત્યાના પ્રયાસના આરોપમાં સપ્ટેમ્બરમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “અમેરિકાના ઈતિહાસમાં કમનસીબે આ પહેલા પણ આવી ઘટનાઓ બની છે. મારા મતે ટ્રમ્પ હજુ પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી.”
પુતિને ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પના પરિવાર અને બાળકો પર થયેલા હુમલાની પણ નિંદા કરી હતી. “રશિયામાં સૌથી કુખ્યાત ગુનેગારો પણ આવી પદ્ધતિઓનો ઉપયોગ કરતા નથી. તે ઘૃણાજનક છે,” તેમણે કહ્યું.
યુક્રેન વિરુદ્ધ મિસાઈલ હુમલાઓ માટે અમેરિકી વહીવટીતંત્રના સમર્થન પર ટિપ્પણી કરતા પુતિને કહ્યું કે આ પગલું ટ્રમ્પને આ મુદ્દાને ઉકેલવામાં મદદ કરવા માટે અથવા તેમનું કામ વધુ મુશ્કેલ બનાવવા માટે લેવામાં આવ્યું હશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટ્રમ્પ આ સમસ્યાનો ઉકેલ શોધી લેશે અને રશિયા વાતચીત માટે તૈયાર છે.
પુતિને કહ્યું, “ગ્રીન એનર્જી અને વૈશ્વિક શાંતિ માટે ટ્રમ્પનું વિઝન પ્રશંસનીય છે. જો યોગ્ય પગલાં લેવામાં આવે તો રશિયા અમેરિકા સાથે વાતચીત માટે હંમેશા તૈયાર છે.”
ટ્રમ્પની સુરક્ષા અને રાજકીય સ્થિતિને લઈને પુતિનની ટિપ્પણીઓએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે.