વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલની સદી અને કેપ્ટન જસપ્રિત બુમરાહની જોરદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 295 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. એશિયા બહાર રનના મામલે ટીમ ઈન્ડિયાની ટેસ્ટમાં આ બીજી સૌથી મોટી જીત છે.
આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 150 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારપછી એવું લાગતું હતું કે યજમાન ઓસ્ટ્રેલિયા આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ બુમરાહે પોતાની કરિશ્માઈ બોલિંગથી ટેબલો ફેરવી નાખ્યા. પ્રથમ દાવમાં બૂમ બૂમ બુમરાહે 5 વિકેટ ઝડપી હતી અને ઓસ્ટ્રેલિયાને માત્ર 104 રનમાં આઉટ કરી દીધું હતું. આ રીતે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 46 રનની મહત્વની લીડ મેળવી હતી.
આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. પહેલા યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે 201 રનની ઓપનિંગ ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાનું મનોબળ તોડ્યું અને પછી વિરાટ કોહલીએ સદી ફટકારીને ભારતની જીત સુનિશ્ચિત કરી. જયસ્વાલે 161 રન અને વિરાટે અણનમ 100 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલે 77 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે બીજા દાવમાં 6 વિકેટે 487 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો.
જવાબમાં કાંગારૂઓ 238 રનમાં સમેટાઈ ગયા હતા અને ભારતે 295 રનથી મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી બીજા દાવમાં ટ્રેવિસ હેડે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. આ સિવાય મિચેલ માર્શે 47 રનની અને વિકેટકીપર એલેક્સ કેરીએ 36 રનની ઇનિંગ રમી હતી. જોકે, આ બધું હારનું માર્જિન જ ઘટાડી શક્યું. ભારતે ચોથા દિવસે પર્થ ટેસ્ટ જીતી લીધી હતી. મેચમાં 8 વિકેટ લેનાર જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.