ગુજરાત સરકારે 15 એપ્રિલ, 2023ના રોજ રાજ્યમાં જંત્રીદરમાં એક સાથે બમણો વધારો કર્યાં બાદ, ફરી એકવાર વધારો ઝીંક્યો છે. સરકારે આ માટે નવા મુસદ્દારૂપ જંત્રી દરો બુધવારે જાહેર કર્યાં છે, જેમાં શહેરી વિસ્તારોમાં જમીનોના વર્તમાન જંત્રીદરોમાં ફરી એકવાર દોઢથી ત્રણ ગણો વધારો કરાયો છે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીલાયક
જમીનોના જંત્રીદરોમાં તોતિંગ
સાડા ત્રણ ગણો વધારો કરાયો છે જ્યારે બિનખેતી જમીનોમાં સવા ગણો વધારો કરાયો છે. આ તમામ વધારો 2023માં સુધારાયેલા જંત્રી દરો ઉપરાંત લાગુ રહેશે, તેથી જમીનોના ભાવમાં ખૂબ મોટો વધારો થાય તે સંભવ છે. જો કે સરકારે હાલ આ મુસદ્દારૂપ જંત્રી જાહેર કરી હોવાથી તેના માટે સંબંધિત ક્ષેત્રના વ્યક્તિઓ અને જાહેર જનતા પાસે આ વધારા અંતર્ગત વાંધાસૂચનો મંગાવ્યા છે. તે પછી સરકાર તેને આધારે નિર્ણય લઈ ફરી એકવાર જંત્રી દરો આખરી કરશે. આ તમામ જંત્રીદરો જાહેર જનતા જોઈ શકે તે માટે https://garvi.gujarat.gov.in/ તથા https://jantri.gujarat.gov.in વેબસાઈટ પર જોઈ શકાશે તેમજ સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડયુટી)ની કચેરી પર ઉપલબ્ધ છે. લોકો આ માટે પોતાના સૂચનો 20 ડિસેમ્બર સુધી રજૂ કરી શકશે.
ગ્રામ્ય વિસ્તારોમાં જમીન સંપાદન વખતે ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતું હોવાની રજૂઆતને પગલે ગુજરાત સરકારે ખેતીની જમીનોની જંત્રીમાં ભાવો સાડા ત્રણ ગણાં જેટલાં વધાર્યાં હોવાનું જાણવા મળે છે. આ સિવાય શહેરી વિસ્તારોમાં પણ જે-તે વિસ્તારમાં બજારની માગ દીઠ જંત્રી દર હોવા જોઇએ તેવી રજૂઆત થઇ હતી. ભવિષ્યમાં જે-તે વિસ્તારમાં વિકાસની સંભાવનાઓ જોઈ શહેરી વિસ્તારોના 23,846 અને ગ્રામ્ય વિસ્તારના 17,131 વેલ્યુઝોનમાં વૈજ્ઞાનિક ઢબે ફિલ્ડ સરવે કરી આ નવા દરો નક્કી કરાયાં છે. પ્રાથમિક રીતે સંબંધિત જિલ્લા કલેક્ટર અને પછી રાજ્ય સરકાર કક્ષાએ વાંધાસૂચનોની સમીક્ષા કરી નિર્ણય લેવાશે.