ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ૭-વાવ વિધાનસભા મત વિભાગની પેટા-ચૂંટણી અન્વયે તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજથી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારોની આચાર સંહિતા, અધિકારી/કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની કેટલીક બાબતો ૭-વાવ વિધાનસભા મતવિસ્તાર જ્યાં સ્થિત છે તે બનાસકાંઠા જિલ્લાના સમગ્ર ભૌગોલિક વિસ્તારમાં અમલમાં આવે છે, જ્યારે કેટલીક બાબતોનો અમલ ઉપર્યુક્ત જિલ્લાના વિધાનસભા મતવિસ્તાર પૂરતો જ કરવાનો છે.
ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓ અન્વયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનું અમલીકરણ, કુદરતી આપત્તિઓના સંજોગોમાં રાહત કાર્યો/બચાવ કામો, દુકાળ/પુર દરમિયાન પીવાના પાણીના કામો, પાતાળ કુવાના ખોદકામ, ઘાસચારો, કૃષિ સહાય, ખેડૂતોને સબસીડી, નવા વિકાસલક્ષી કામો (શ્રમ આધારિત કે નાણાકીય લાભો), એમ.પી.-એલ.એ.ડી., એમ.એલ.એ. અને એમ.એલ.સી.-એલ.એ.ડી. હેઠળના કામો, નવા પ્રકલ્પો, કાર્યક્રમો, રાહત કે નાણાકીય ગ્રાન્ટ ફાળવણીની શરૂઆત કે જાહેરાત, ખાનગી મિલકતોનું ડિફેસમેન્ટ કે સરકારી મિલકતનો પ્રચાર માટે ઉપયોગ વગેરે બાબતો પરત્વેની ભારતના ચૂંટણી પંચની હાલમાં અમલી સૂચનાઓ આ પેટા ચૂંટણી પ્રસંગ પૂરતી, ૭-વાવ વિધાનસભા મતવિભાગ પૂરતી મર્યાદિત રહેશે, જે તે વિધાનસભા મતવિસ્તારના સમગ્ર જિલ્લાને લાગુ પડશે નહીં. તે જ રીતે ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓ અન્વયે પેટા ચૂંટણી હેઠળના ઉક્ત મતવિસ્તાર સિવાયના તે જિલ્લાના બાકીના ભાગમાં વિકાસના કામો કરવામાં કે રાહત કાર્યો કરવામાં આચારસંહિતા બાધરૂપ રહેશે નહીં એટલે કે પેટા ચૂંટણી હેઠળના મતવિસ્તાર સિવાયના જિલ્લાના બાકીના ભાગોમાં વિકાસના કામો તથા રાહતના કામો આચાર સંહિતા દરમિયાન પણ ચાલુ રાખી શકાશે. વધુમાં ઉક્ત જિલ્લાના જે ભાગમાં ચૂંટણી યોજાવાની નથી તે ભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલ હોય તે સિવાયના અધિકારીઓ/કર્મચારીઓની બદલી બાબતે આચાર સંહિતા બાધરૂપ રહેશે નહીં.
અલબત્ત, ભારતના ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતા સંબંધી પ્રવર્તમાન સૂચનાઓ જેવી કે મંત્રીશ્રીઓના પ્રવાસ, સરકારી વાહનોનો ઉપયોગ, સરકારી ખર્ચે જાહેરાત-ઉદ્ઘાટન સમારંભો/સરકારી સમારંભો, સરકારી અતિથિ ગૃહોનો ઉપયોગ, નવી યોજનાની જાહેરાત અને ઉપરના ફકરામાં દર્શાવ્યા સિવાયની આદર્શ આચાર સંહિતા અંગેની તમામ પ્રવર્તમાન સૂચનાઓ ઉક્ત વિધાનસભા મતવિસ્તાર જ્યાં સ્થિત છે, તે સમગ્ર બનાસકાંઠા જિલ્લા તેમજ પાટણ જિલ્લાના પેટા ચૂંટણી હેઠળના કેશરગઢ ગામ પૂરતી લાગુ પડશે. આ સૂચનાઓનો રાજ્ય સરકાર, રાજકીય પક્ષો, ઉમેદવારો, સચિવાલયના તમામ વિભાગો, ખાતાઓ, કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બોર્ડ/નિગમો, સહકારી મંડળીઓ વગેરે કે જેમાં જાહેર નાણાંનો જરા પણ
હિસ્સો હોય તેવી તમામ સંસ્થાઓએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ સૂચનાઓનો ભંગ કરનાર સામે ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી, મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી/ચૂંટણી અધિકારીશ્રી કાર્યવાહી હાથ ધરશે.
આથી આચાર સંહિતા તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા સંબંધી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચનાઓનો આ પેટા ચૂંટણીમાં ચુસ્તપણે અમલ કરવા સર્વેને વિનંતી કરવામાં આવે છે તેમ મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.