નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે 9 જૂને રિયાસીમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં જમ્મુ અને કાશ્મીરમાં સાત સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં આતંકીઓએ શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નિશાન બનાવી હતી. આતંકવાદીઓએ કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિર જતી બસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. શિવ ખોરી મંદિરથી કટરા જતી બસ રિયાસીના પૌની વિસ્તારના તેરાયથ ગામ પાસે ગોળીબારના કારણે રોડ પરથી ઉતરી ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. ગૃહ મંત્રાલયના આદેશ બાદ 17 જૂને તપાસ NIAને સોંપવામાં આવી હતી.
9 જૂને થયેલા આ આતંકવાદી હુમલામાં ઉત્તર પ્રદેશના એક બે વર્ષના બાળક અને 14 વર્ષના કિશોરનું પણ મોત થયું હતું. આ મામલામાં અત્યાર સુધી રાજૌરીના હકમ ખાન નામના વ્યક્તિની આતંકીઓને ખોરાક, જગ્યા અને અન્ય મદદ તેમજ હુમલા પહેલા વિસ્તારની જાસૂસીમાં મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે શિવ ખોરી આતંકવાદી હુમલાના સંબંધમાં આજે સવારથી NIAની ઘણી ટીમો રાજૌરી અને રિયાસી જિલ્લામાં સર્ચ કરી રહી છે.
લશ્કર-એ-તૈયબા પર શંકા
એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલ શંકાસ્પદની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ હુમલા પાછળ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાન સ્થિત જૂથનો હાથ હતો. NIA અધિકારીઓએ કહ્યું છે કે બસ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓ સામેલ હોઈ શકે છે. 30 જૂનના રોજ, હકમ ખાન ઉર્ફે હકીન દીન પાસેથી મળેલી માહિતીના આધારે, NIAએ હાઇબ્રિડ આતંકવાદીઓ અને તેમના ઓવરગ્રાઉન્ડ ઓપરેટિવ્સ સાથે જોડાયેલા પાંચ સ્થળોની તપાસ કરી હતી. તેની પૂછપરછમાં પાકિસ્તાન સ્થિત બે એલઈટી કમાન્ડર, સૈફુલ્લાહ (ઉર્ફે સાજિદ જટ) અને અબુ કાતાલ (ઉર્ફે કતલ સિંધી)ની સંડોવણી પણ બહાર આવી છે, જેમણે હુમલાખોરો માટે હેન્ડલર તરીકે કામ કર્યું હોવાની શંકા છે.