સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી ૧૭ સપ્ટેમ્બરથી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ પાલનપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું.
પાલનપુર ખાતે મેરેથોન દોડને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય અનિકેત ઠાકર
પાલનપુરની સરકારી ઉચ્ચત્તર માઘ્યમિક કુમાર શાળા, શશિવન (જહાનારા બાગ) ખાતેથી ધારાસભ્ય અનિકેત ઠાકરએ મેરેથોન દોડને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા દરેક વ્યક્તિ સ્વચ્છતા અભિયાનમાં સ્વયંભૂ જોડાય અને શ્રમદાન કરે તથા લોકોમાં જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધરવા ધારાસભ્ય અનિકેત ઠાકરએ લોકોને હાકલ કરી હતી. લોકો પોતાના ઘર, શેરીઓને સ્વચ્છ બનાવીને સવચ્છતા અભિયાનમાં જોડાય તે માટે તંત્ર દ્વારા પણ અપીલ કરાઈ છે.
આ સ્વચ્છતા મેરેથોન દોડ કલેક્ટરની કચેરી ખાતે કુલ ૧.૬૦ કિલોમીટરના અંતરે સમાપન કરાયું હતું. સદર સ્વચ્છતા મેરેથોન દોડમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શેખ,જિલ્લા શિક્ષણાધિકારી, નગરપાલિકાના પ્રમુખ સહિત વિવિધ અધિકારીઓ,પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.