વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ કસર છોડી રહી નથી. દેશમાં કનેક્ટિવિટી, આર્થિક વિકાસ અને રોજગાર સર્જનને વેગ આપવા માટે, પીએમ મોદીની આગેવાની હેઠળની સરકારે તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં રૂ. 3 લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.
સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 15 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ગયા મહિને પીએમ મોદીએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાધવન પોર્ટ પ્રોજેક્ટ અને રૂ. 76 હજાર કરોડની અન્ય અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે 11.11 લાખ કરોડ રૂપિયાનું બજેટ
કેન્દ્રીય બજેટમાં હાઈવે, બંદરો, રેલ્વે અને પાવર પ્લાન્ટ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે 11.11 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ વિકાસની ગતિને વધુ વેગ આપશે અને રોજગારીની તકો પણ ઉભી કરશે.
સરકારે મૂડી ખર્ચની યોજના બનાવી છે
સરકારે મેરીટાઇમ ઈન્ડિયા વિઝન 2030 હેઠળ આગામી દાયકામાં બંદરોની ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડી ખર્ચનું આયોજન કર્યું છે. માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય માટે અંદાજપત્રીય ફાળવણી છેલ્લા એક દાયકામાં આઠ ગણાથી વધુ વધીને FY25માં રૂ. 2.7 લાખ કરોડ થઈ છે. આગામી ત્રણ-ચાર વર્ષમાં એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ પણ રૂ. 55 હજાર કરોડથી રૂ. 60 હજાર કરોડ જેટલું થશે.