ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટન રિકી પોન્ટિંગે ( Ricky Ponting ) ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં ક્રાંતિ લાવવા માટે વિરાટ કોહલીના નેતૃત્વની પ્રશંસા કરી છે. કોહલીએ 2014થી 2022 સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. કોહલીની કપ્તાની હેઠળ, ભારતીય ટીમે વિદેશમાં ઘણી યાદગાર જીત નોંધાવી હતી, જેમાં ઓસ્ટ્રેલિયામાં ઘરઆંગણે ઐતિહાસિક શ્રેણી જીતનો સમાવેશ થાય છે. પોન્ટિંગે કહ્યું કે કોહલીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટને બદલી નાખી.
ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટનમાંથી એક રિકી પોન્ટિંગે વિરાટ કોહલીના નેતૃત્વની પ્રશંસા કરી છે. પૂર્વ કેપ્ટન પોન્ટિંગે કહ્યું કે વિરાટ કોહલીએ પોતાની કેપ્ટન્સી દ્વારા ભારતીય ક્રિકેટમાં ક્રાંતિ લાવી.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની કેપ્ટનશીપ 2014માં શરૂ થઈ હતી અને તેણે 2022 સુધી જવાબદારીપૂર્વક આ પદ સંભાળ્યું હતું. ભારતીય ટીમ કેપ્ટન તરીકે કોહલીના નેતૃત્વમાં નીડર ક્રિકેટ રમી હતી. કોહલીએ ટીમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ ખેલાડીઓ મેચ જીતી શકે છે. તેણે વિદેશમાં પણ ટીમને જીતવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
વિરાટ કોહલી (Virat Kohli ) ની કપ્તાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવ્યું હતું. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવનારી પ્રથમ એશિયન ટીમ બની છે.
રિકી પોન્ટિંગે શું કહ્યું
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગે સ્કાય સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે, ફાસ્ટ બોલિંગમાં ભારતની ઊંડાઈ શાનદાર છે. છેલ્લા છ-સાત વર્ષમાં તેમનું નેતૃત્વ મજબૂત રહ્યું છે. કોહલીની કેપ્ટનશિપની શરૂઆતની વાત કરીએ તો તેણે ભારતીય ક્રિકેટને બદલવામાં મોટી ભૂમિકા ભજવી હતી. દ્રવિડે છેલ્લા ચાર વર્ષમાં આ ચાલુ રાખ્યું. વિરાટ કોહલી જેવા ખેલાડીની ટીમ પર અસર શાનદાર છે અને તેમની પાસે સ્ટાર ખેલાડીઓ છે.
કોહલીનો ટેસ્ટ કેપ્ટન તરીકેનો કાર્યકાળ
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે 40 ટેસ્ટ મેચ જીતી, 17માં હાર અને 11 ટેસ્ટ ડ્રો કરી. કોહલીએ 68 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. દેશ-વિદેશમાં તેમના પ્રદર્શને તેમને રેડ બોલ ક્રિકેટમાં ભારતના સૌથી સફળ કેપ્ટન બનાવ્યા. જો કે આ વખતે નવેમ્બરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્માના નેતૃત્વમાં શ્રેણી રમશે.