છેલ્લા કેટલાક મહિનામાં 5G સ્માર્ટફોનનું માર્કેટ ઝડપથી વિકસ્યું છે. જેમાં ભારત અમેરિકાને હરાવીને બીજું સૌથી મોટું માર્કેટ બની ગયું છે. દેશમાં 5G સ્માર્ટફોનના શિપમેન્ટમાં ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીએ આ વર્ષના પ્રથમ છ મહિનામાં 60 ટકાનો વધારો થયો છે. મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓએ આ માર્કેટમાં નવા હેન્ડસેટ લોન્ચ કર્યા છે.
માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં 5G સ્માર્ટફોનના આંતરરાષ્ટ્રીય શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે 20 ટકાનો વધારો થયો છે. આ સાથે, સ્માર્ટફોનના તમામ શિપમેન્ટમાં 5G ઉપકરણોનો હિસ્સો વધીને 50 ટકાથી વધુ થઈ ગયો છે. કાઉન્ટરપોઇન્ટના વરિષ્ઠ વિશ્લેષક પ્રાચીર સિંઘે જણાવ્યું હતું કે, “બજેટ સેગમેન્ટમાં Xiaomi, Vivo અને અન્ય બ્રાન્ડ્સ તરફથી મજબૂત શિપમેન્ટ આ બજારની ઝડપી વૃદ્ધિ માટેનું મુખ્ય કારણ છે.” તેમણે કહ્યું કે ઊભરતાં બજારોમાં ગ્રાહકો 5G સ્માર્ટફોનને અપગ્રેડ કરવાના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.
5G MOBILE MARKET ના આંતરરાષ્ટ્રીય શિપમેન્ટમાં લગભગ 32 ટકા હિસ્સા સાથે ચીન પ્રથમ ક્રમે છે. આ પછી ભારત પાસે લગભગ 13 ટકા હિસ્સો છે. અમેરિકન ડિવાઈસ નિર્માતા એપલ આ સ્માર્ટફોનના આંતરરાષ્ટ્રીય શિપમેન્ટમાં 25 ટકાથી વધુ હિસ્સા સાથે મોખરે છે. કંપનીના iPhone 14 અને iPhone 15 સિરીઝને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં દેશમાં સ્માર્ટફોનની શિપમેન્ટ વાર્ષિક ધોરણે 7.2 ટકા વધીને લગભગ 69 મિલિયન યુનિટ થઈ છે. બીજા ક્વાર્ટરમાં સ્માર્ટફોનનું શિપમેન્ટ આશરે 3.2 ટકા વધીને લગભગ 35 મિલિયન યુનિટ થયું છે. માર્કેટ રિસર્ચ ફર્મ ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના રિપોર્ટ અનુસાર બીજા ક્વાર્ટરમાં ઘણા નવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. આમાંથી મોટા ભાગના મિડ-પ્રીમિયમ અને પ્રીમિયમ સેગમેન્ટમાં હતા. જોકે, બીજા ક્વાર્ટરમાં એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનની શિપમેન્ટ (કિંમત રૂ. 8,400થી ઓછી છે) લગભગ 36 ટકા ઘટી છે. આ સેગમેન્ટ્સનો બજાર હિસ્સો ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં 22 ટકાથી ઘટીને 14 ટકાની આસપાસ આવી ગયો છે. આમાં ચીનની સ્માર્ટફોન નિર્માતા Xiaomi પ્રથમ સ્થાને છે. આ પછી Poco અને Realme છે. સ્માર્ટફોનના બજેટ સેગમેન્ટમાં શિપમેન્ટ (કિંમત રૂ. 8,400 થી રૂ. 16,800 આસપાસ) લગભગ 8 ટકા વધી છે.
આ પણ વાંચો – માર્કેટમાં આવ્યો HMDનો આ નવો ફોન,જાણો કિંમત અને વિશિષ્ટતાઓ.