ભાદરવી પૂનમ 2024 : બનાસકાંઠા જિલ્લામાં આવેલું વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહા મેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિવર્ષ સંચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે આગામી તા. ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થનાર છે.
દર વર્ષે લાખોની સંખ્યા માં માઈ ભક્તો માં ના દર્શનનો લાભ લેવા માટે પુરી શ્રદ્ધા અને ઉત્સાહથી આવતા હોય છે, ત્યારે આ માઈ ભક્તો ને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે રાજ્ય સરકાર ના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વર્ષે ખાસ આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરીને પગપાળા ચાલીને જતા માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફના પડે તેના માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાસ સુવિધાયુક્ત ડોમ ઉભા કરવામાં આવેલ છે જયાં જરૂરી તમામ સુવિધા યાત્રાળુ ને મળી રહે.
શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ સમો ભાદરવી પૂનમનો મેળો ૧૨ સપ્ટેમ્બરથી થશે શરૂ એટલે કે તા. ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે. અંબાજી અને અંબાજી જતા તમામ માર્ગો જયઅંબેના નાદથી ગુંજી ઉઠશે.
જે અંતર્ગત મેળાના સુચારુ આગોતરા આયોજન માટે પ્રવાસન અને યાત્રાધામ સચિવ રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં અંબાજી મંદિર હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી. જેમાં મેળા માટે બનાવાયેલી વિવિધ સમિતિઓએ કરવાની કામગીરીની સમીક્ષા કરી હતી. યાત્રાળુઓને મેળા સંબધિત તમામ પ્રકારની માહિતી મળી રહે માટે તૈયાર કરવામાં આવેલ એક્શન પ્લાન QR કોડ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી દ્વારા PPT પ્રેઝન્ટેશન દ્વારા વિગતો અને માહિતી રજૂ કરાઇ હતી.
સચિવ રાજેન્દ્રકુમારે વહીવટીતંત્ર દ્વારા કરાયેલી મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પોહ્ચે તે જરૂરી છે એમ જણાવતાં કહ્યું કે, દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિક ભક્તો માટે ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરવા તમામને જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. તેઓએ દરેક વિભાગને કરવાની થતી વ્યવસ્થાઓ વિશે ચર્ચા કરી હતી. જેમાં શ્રધ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા , રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો- વ્યવસ્થા, ટ્રાફિક નિયમન , લાઇટિંગ , મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા- સલામતી , પ્રચાર – પ્રસાર સહિતની બાબતોની પ્રવાસન સચિવશ્રી એ ચર્ચા કરીને સુવ્યવસ્થિત આયોજન થાય એ માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે દવે ,જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને મેળાની વિવિધ સમિતિઓના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.