પાકિસ્તાની કુસ્તીબાજ અલી અસદ પાસેથી બ્રોન્ઝ મેડલ છીનવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં આ મેડલ જીત્યો હતો.
પાકિસ્તાની કુસ્તીબાજ અલી અસદ પાસેથી બ્રોન્ઝ મેડલ છીનવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં આ મેડલ જીત્યો હતો. તે પર્ફોર્મન્સ વધારતી દવાઓનું સેવન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. પાકિસ્તાન રેસલિંગ ફેડરેશને આ મામલે પોતાના નિવેદનમાં કહ્યું કે, અલી અસદ પર માત્ર ચાર વર્ષનો પ્રતિબંધ જ નથી, પરંતુ 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં જીતેલો તેનો બ્રોન્ઝ મેડલ પણ છીનવી લેવામાં આવ્યો છે.
વધુ માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (ITA) દ્વારા હાથ ધરવામાં આવેલા તેના ટેસ્ટમાં પુષ્ટિ મળી હતી કે તેણે સ્પર્ધા દરમિયાન પર્ફોર્મન્સ વધારતી દવાઓનું સેવન કર્યું હતું.’
સમયસર જવાબ મોકલ્યો નથી
અધિકારીઓએ કહ્યું છે કે અસદે સુનાવણી દરમિયાન ભાગ લીધો ન હતો. આ સિવાય તેમણે તેમના પર લાગેલા આરોપોનો પણ સમયસર કોઈ જવાબ આપ્યો ન હતો. તમને જણાવી દઈએ કે, તાજેતરના સમયમાં, ડોપ ટેસ્ટમાં નાપાસ થયા બાદ ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશને પાકિસ્તાની ખેલાડીઓ પર ઘણી વખત પ્રતિબંધ લગાવ્યો છે.
મે મહિનામાં ચાર પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
આ વર્ષે મે મહિનામાં IWFએ પાકિસ્તાનના ચાર વેઈટલિફ્ટર પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ખેલાડીઓ ડોપિંગ ટેસ્ટમાં પણ ફેલ થયા હતા. આ ખેલાડીઓના નામ છે અબ્દુર રહેમાન, શરજીલ ભટ્ટ, ગુલામ મુસ્તફા અને ફરહાન અમજદ. આ ચારેય ખેલાડીઓએ આ પ્રતિબંધ સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ પણ કરી હતી, પરંતુ આ પછી પણ તેમનો પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના ઓલિમ્પિયન તલ્હા તાલિબ અને અબુ બકર ગની પણ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જતાં બે વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તલ્હા તાલિબે ટોક્યો ઓલિમ્પિકમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. તેમના પર આ પ્રતિબંધ ફેબ્રુઆરી 2025 સુધી રહેશે.
આ પણ વાંચો – Sports News : બાંગ્લાદેશના બે ફાસ્ટ બોલરોએ પાકિસ્તાન પર કરી સર્જરી, પૂર્વ ક્રિકેટરે ફરી ટીમની લીધી ક્લાસ