Ambaji Temple Bhadarvi Poonam 2024 : ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે, પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે. ”આરાસુરી અંબાજી” માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહીં ‘શ્રી વિસાયંત્ર’ની પૂજા કરવામાં આવે છે.
જે ચડે ગબ્બર, તે બને જબ્બર એવી લોક ઉક્તિ પણ પ્રચલિત છે. ગબ્બર જવાના માર્ગે પગથીયાં, પાણીની પરબો, રેલીંગ, વિશ્રામ કુટિરો વગેરેની વ્યવસ્થા છે. અંબાજી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર ચડી પોતાની યાત્રા પૂર્ણ થઈ હોવાનો સંતોષ અનુભવે છે. ગબ્બર પર્વત ઉપર માતાજીના હિંડોળાનો અવાજ સાંભળવાની માઇભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે. અહીં મુખ્ય મંદિરે દર્શન કર્યા પછી ગબ્બર દર્શને ન જાય તેની યાત્રા અધૂરી ગણાતી હોવાની શ્રદ્ધાને કારણે મા અંબાના દર્શન કરીને દરેક માઇભક્ત ગબ્બરના દર્શન કરવા અચૂક જાય છે.
ભાગ્યશાળી શ્રદ્ધાળુઓને આજે પણ ગબ્બર ઉપર માતાજીના હિચકાનો અવાજ જરૂર સંભળાય છે એવી લોકોની આસ્થા છે. ગબ્બર પર્વત ઉપર જતા પગદંડીવાળા માર્ગ ઉપર વચ્ચે શ્રદ્ધાળુઓ પર્વતના પથ્થરની દિવાલ ઉપર કાન જરૂર ધરે છે. તેમ ગબ્બર પર્વત ઉપરથી મા અંબાનું નજિ મંદિર અને મંદિરથી ગબ્બર પર્વત ઉપરની જયોતના સીધા જ દર્શન થાય છે.
મા અંબાના ઉદ્ભવ સાથે જોડાયેલી દંતકથા
પોષ મહિનાની પૂનમ જગતની જનની મા અંબાનો પ્રાગટ્યનો દિવસ છે. અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ એક રહસ્ય પણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને જીવોને જીવવું દુષ્કર્મ બની ગયો હતો. માનવ જીવ પશુ પંખીઓ ભૂખે ટળવળતા હતા. ત્યારે બધાએ હૃદય પૂર્વક માતાજીને અર્તનાદ થી પ્રાર્થના કરી અને માતાજીને પ્રસન્ન કર્યા. માતાજીની કૃપા ઉતરીને, દુષ્કાળની ધરતી જે સુખી ભટ્ટ બની હતી. ત્યાં મા અંબાની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયા. બસ ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગબ્બર પર્વત વિશે પુરાણોમાં થયેલા ઉલ્લેખ મુજબ માતા સતિના દેહના ટુકડા પૈકી માતાજીના હૃદયનો ભાગ અહિં પડ્યો હતો. બીજી એક કથા એવી છે કે, મા જગદ્ અંબા ગબ્બર ગઢના સોના હિંડોળે ઝુલતાં હતા ત્યારે એક ગોવાળ તેમની ગાય ચારી ચરામણ લેવા ગયો હતો. જેને માતાજીએ સુંપડું ભરીને જવ આપ્યા, પરંતુ ગોવાળે જવના દાણા રસ્તામાં જ ઢોળી દિધા, ઘરે જઇને જોયું તો, તેની પછેડી માં કેટલાક દાણા ચોટેલા હતા તે સોનાના હતા.
પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાય છે. આ દિવસે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓના સંઘ પગપાળા તેમજ વાહનો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાદરવી પુનમના દિવસે અહી મેળાનું આયોજન થાય છે. અંબાજી ગામ શણગાર સજે છે. આ દિવસે ‘શતચંડી યજ્ઞ’ કરવામાં આવે છે અને માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. ગબ્બર માતાજીનું પ્રાગટ્ય સ્થળ હોવાની માન્યતા છે. ભાગવતના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રીકૃષ્ણની બાબરી-ચૌલકર્મ વિધિ આ સ્થળે કરાઈ હતી.
અંબાજી શકિતપીઠ અને ગબ્બર પ્રત્યેની કરોડો માઈભક્તોની આસ્થાને ધ્યાને લઈ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ. 62 કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ-વિદેશમાં આવેલ તમામ 51 શકિતપીઠોનાં મૂળ મંદિરો જેવાં જ મંદિરો બનાવવામાં આવ્યાં છે.
આમ તો કોઇપણ વ્યક્તિને તેના જીવનમાં તમામ 51 શકિતપીઠોનાં મંદિરોનાં દર્શન કરવા મુશ્કેલ હોય છે પરંતુ હવે અંબાજી જઈને એક જ સ્થાને 51 શકિતપીઠોના દર્શન કરવાનો લ્હાવો માઇભકતોને મળે છે. માઈભક્તો પરીવાર સાથે ભક્તિભાવપૂર્વક ગબ્બર પરિક્રમા માર્ગ ઉપર શક્તિપીઠનાં મંદિરોમાં મસ્તક નમાવી દર્શન કરી ધન્ય બને છે.
આ પણ વાંચો – Ganesh Chaturthi 2024 : 10 દિવસ સુધી બાપ્પાને આ અલગ-અલગ સ્વાદિષ્ટ પ્રસાદ ચડાવો, ભગવાન ખુશ થઈ જશે .