Ambaji Temple History :હિંદુ ધર્મમાં પ્રચલિત માન્યતા પ્રમાણે 51 શક્તિપીઠ છે અને અંબાજી મંદિર તેમાંથી એક છે અને તેની ગણના ‘સિદ્ધપીઠ’ તરીકે થાય છે. હિંદુ માન્યતા અનુસાર શિવે તાંડવ કર્યું, ત્યારે સતીનું હૃદય અહીં પડ્યું હતું.
આઝાદી પહેલાં આરાસુરી અંબાજીનું મંદિર દાંતા સ્ટેટ હેઠળ આવતું હતું અને પરમાર શાસકો દ્વારા તેનું નિયમન કરવામાં આવતું હતું. જેઓ રાજા વિક્રમાદિત્યના વંશજ હોવાનું માનવામાં આવે છે. આઝાદી બાદ વિલીનીકરણ સમયે વિવાદ થયો હતો, જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
એ પછી 1970માં ફરી નીચલી અદાલતમાં કેસ દાખલ થયો હતો. ગત વર્ષે તેનો ચુકાદો આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કેસને આગળ વધારવા બદલ દાંતાના પૂર્વ રાજવી પરિવારને દંડ ફટકારવામાં આવ્યો હતો.
અંબાજીનું મંદિર ગુજરાત-રાજસ્થાન સીમા નજીક અરાવલી શ્રૃંખલાના આરાસુર પર્વત ઉપર સ્થિત છે, જે દેશનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે. સફેદ આરસપહાણથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઊંચું છે. શિખર સોનાથી બનેલું છે. જે મંદિરની સુંદરતા વધારે છે. અહીં વિદેશોથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. તે 51 શક્તિપીઠમાંથી એક છે, જ્યાં માતા સતીનું હ્રદય પડ્યું હતું.
આ મંદિર પણ શક્તિપીઠ છે પરંતુ તે અન્ય મંદિરોથી થોડું અલગ છે. આ મંદિરમાં માતા અંબાની પૂજા શ્રીયંત્રની આરાધનાથી થાય છે જે સીધી આંખથી જોઇ શકાતું નથી. અહીંના પૂજારી આ શ્રીયંત્રનો શ્રૃંગાર એટલો અદભૂત કરે છે કે શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત વિરાજમાન છે. તેમની પાસે જ પવિત્ર અખંડ જ્યોતિ પ્રગટે છે, જેના અંગે કહેવાય છે કે તે ક્યારેય ઓલવાઇ નથી.
માન્યતા છે કે, આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. અંબાજીના મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પહાડ પણ માતા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. માતાના દર્શન કરનાર ભક્તો આ પર્વત ઉપર પથ્થર ઉપર બનેલાં માતાના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે જરૂર આવે છે. અંબાજી મંદિર અંગે કહેવામાં આવે છે કે, અહીં ભગવાન શ્રીકૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયું હતું. ત્યાં જ ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવી ચૂક્યાં છે. નવરાત્રિ પર્વમાં શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં અહીં માતાના દર્શન કરવા માટે આવે છે. આ સમયે મંદિરના ફળિયામાં ગરબા કરીને શક્તિની આરાધના કરવામાં આવે છે.
આ પણ વાંચો – ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ : અંબાજીમાં યોજાશે ભાદરવી પૂનમનો મેળો