Madhupura Cricket Betting : 2323 કરોડના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઓનલાઇન ક્રિકેટ બેટીંગના ગુનાની તપાસ સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) કરી રહ્યું છે. ત્યારે અમદાવાદના માધુપુરામાંથી 2273 ડબ્બા ટ્રેડિંગ, સટ્ટાકાંડ અને હવાલાના કેસનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં 30થી વધુ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી, ત્યારે હવે વધુ એક મુખ્ય આરોપીની UAEના અબુધાબીમાંથી ધરપકડ કરાઈ છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દુબઈના બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી છે. આ મામલે ડીજીપી વિકાસ સહાયએ જણાવ્યું કે, રેડ કોર્નર નોટિસને આધારે એસએમસીના એસ. પી. નિર્લિપ્ત રાયે જાતે દુબઈ જઈ અને બુકીની ધરપકડ કરી છે. અલગ-અલગ એજન્સી સાથે સંકલન સાધ્યા બાદ દીપક ઠક્કરને મોડી રાત્રે ગુજરાત લવાયો છે. આરોપીને ભારત પરત લાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સાથે ડીવાયએસપી કે. ટી. કામરીયા અને પીઆઈ આર.જી.ખાંટ પણ દુબઈ ગયા હતા. આ કેસમાં અગાઉ પી. આઈ. તરલ ભટ્ટની પણ ધરપકડ થઈ ચૂકી છે.
દિપકકુમાર ધીરજલાલ ઠક્કરની ગુજરાત પોલીસની SMCએ ધરપકડ કરી છે. દિપકકુમાર ધીરજલાલ ઠક્કરની પ્રત્યાર્પણ સંધિ દ્વારા ધરપકડ કરવામાં આવી. દિપક એપ્લિકેશન બનાવી તેને ઉપયોગ કરીને હવાલા નેટવર્ક સંભાળતો હતો. હવાલાના પૈસાથી દુબઈ અને અન્ય દેશોમાં રોકાણ થતું હતું. તારીખ 15.12.2023ના રોજ ઇન્ટરપોલે આરોપી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. ગુજરાત પોલીસની એક ટીમ UAE પહોંચી હતી અને દિપકની ધરપકડ કરી લીધી હતી. હજુ પણ આ કેસમાં 70થી વધુ આરોપી નાસતા ફરી રહ્યા છે જેને ઝડપી લેવા સ્ટેટ મોનિટરીંગ સેલ કામગીરી કરી રહ્યું છે.
દીપક ઠક્કર મૂળ બનાસકાંઠાના ડીસા તાલુકાના બાબર ગામનો છે. તેની ઉંમર લગભગ 43 વર્ષ છે. ડબ્બા ટ્રેડિંગની એક એપ્લિકેશનના મારફતે તે સટ્ટો રમાડતો હતો. દીપક દુબઈમાં બેસીને સટ્ટાનું કામકાજ ઓપરેટ કરતો હતો. ત્યારબાદ હવાલાથી રૂપિયા દુબઈ પહોંચતા હતા. આ એપ્લિકેશન પર બે લાખ લોકો એક્ટિવ હતા. પ્રાથમિક તબક્કે મળેલી માહિતી અનુસાર, દીપક ઠક્કર લોકડાઉન અગાઉ પહેલીવાર દુબઈ ગયો હતો, ત્યાં તેણે ફ્લેટ ભાડે લઈને ઓફિસ ખોલી હતી.
શું હતી સમગ્ર ઘટના?
તરલ ભટ્ટ અમદાવાદમાં પીસીબીમાં ફરજ બજાવતા હતા, તે સમયે માધુપુરા વિસ્તારમાં 2300 કરોડથી વધુનું સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનું મોટું નેટવર્ક પકડાયું હતું. માધુપુરામાં ઝડપાયેલુ સટ્ટાકાંડ ગુજરાતનું સૌથી મોટુ સટ્ટાકાંડ છે. જેમાં ક્રિકેટના તાર દૂબઇ સુધી જોડાયેલા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. જે બાદ માધુપુરા સટ્ટાકાંડમાં સામેલ કેટલાક આરોપીઓ ભારત છોડીને દૂબઇ ભાગી ગયા હતા.
હજુ પણ 70થી વધુ આરોપીઓ નાસતા ફરી રહ્યા છે
ઓનલાઇન ક્રિકેટ બેટિંગનાં ગુનાની તપાસ સ્ટેટ મોનીટરિંગ સેલ કરી રહ્યું છે. અત્યાર સુધી 111 આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે જેમાંથી 30થી વધુ આરોપીઓ ઝડપાઈ ગયા છે. તેમજ હજુ પણ 70થી વધુ આરોપીઓ નાસતા ફરી રહ્યા છે જેને પકડવા માટે સ્ટેટ મોનીટરિંગ સેલ કામગીરી કરી રહ્યું છે.
પોલીસથી બચવા પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતર્યો હતો
આ કેસમાં 111 આરોપીની ઓળખ થઈ હતી, જેમાંથી 35ની ઝડપાઈ ગયા હતા તો 76 આરોપીઓ ફરાર હતાં. તેમાંથી જ એક આરોપી પાર્થ દોશી અમૃતસરથી ઝડપાયો હતો. પાર્થ દોશી દુબઈથી પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થતાં જ SMCએ ઝડપી પાડ્યો હતો.પાર્થ દોશી માધુપુરા સટ્ટાકાંડ કેસનો 35મો આરોપી છે. ઓનલાઇન ક્રિકેટ સટ્ટા માટેની સુપર આઇડી આપનાર મુખ્ય સૂત્રધાર પાર્થ હોવાનું પણ સામે આવ્યું હતું. પાર્થ દોશી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આઇડી આપતો હોવાનું SMCની તપાસમાં સામે આવ્યું છે. તેમજ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગના સુપર માસ્ટર આઇ.ડી આપનાર મુખ્ય આરોપી પાર્થ કમલેશભાઇ દોશી છેલ્લા ઘણા વર્ષોથી દૂબઇ ખાતે રહીને ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગની સુપર માસ્ટર આઇ.ડી બનાવી વિવિધ વ્યક્તિઓને પુરી પાડતો હતો.
આ પણ વાંચો – Gujarat Flood: ઓગષ્ટની જેમ સપ્ટેમ્બરમાં પણ મેઘરાજા ભુક્કા બોલાવશે! IMD નું નવું એલર્ટ