Banaskantha Update
Banaskantha : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે દાંતીવાડાની પીએમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળા કેમ્પસમાં આમંત્રિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે આ કાર્યક્રમમાં નવોદય વિધાલયના પૂર્વ વિધાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે માન. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માતાના નામે ઉછેરવા આહવાન કર્યું છે. તેમણે વૃક્ષને માતા સાથે જોડી વૃક્ષારોપણના કામને નવી દિશા આપી છે.
વિદ્યાર્થીકાળના સંસ્મરણોને યાદ કરતા અધ્યક્ષએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનની યાદો અને ખુશી અલગ હોય છે. દેશનો ઇતિહાસ બદલવાનું કાર્ય મધ્યમ પરિવારોએ કર્યું છે.
મધ્યમ પરિવારો સાથે જોડાયેલા લોકો જીવનની વાસ્તવિક પરિસ્થિતિ થી વધુ વાકેફ હોય છે જેથી કોઈપણ કામમાં તેઓની સહભાગિતા વધુ હોય છે. નવોદય પરિવારની સુંદર કામગીરી બિરદાવી હતી.
અધ્યક્ષએ કહ્યું હતું કે દરેક વૃક્ષમાં ભગવાન વસેલા છે તેથી આપણે આ પ્રકૃતિનું સંવર્ધન કરવું જોઈએ. વૃક્ષ પરોપકારનું ખૂબ મોટું કામ કરે છે તેથી તેનું જતન કરવું એ પ્રકૃતિની સેવા છે. વૃક્ષોનું વાવેતર કરવું એ પ્રકૃતિની નિસ્વાર્થ ભક્તિ છે.
આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પી. જે. ચૌધરી, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, શિક્ષકગણ, પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા