Sabarmati : અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યુ રાણીપ સરસ્વતી નગર પાસે પાનની દુકાન પાસે નજીવી બાબતે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતકના મિત્રએ ચાર લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. સાબરમતી પોલીસે કેટલાક આરોપીઓની અટકાયત પણ કરી છે.
સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એચએન પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના 6 જુલાઈના રોજ સવારે 5.30 વાગ્યે ન્યૂ રાણીપમાં સરસ્વતી સોસાયટી બ્લોકમાં બની હતી. આ જ સોસાયટીમાં રહેતા અમરજીત ચૌહાણ (23) પર જૂની અદાવતના કારણે અજય ઉર્ફે ચકો ઠાકોર, રાહુલ સોની, પપ્પુ ઠાકોર અને કાર્તિક નામના આરોપીઓએ તિક્ષ્ણ હથિયાર અને પાઇપ વડે હુમલો કર્યો હતો.
જેના કારણે ઘાયલ અમરજીતને સારવાર માટે સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં અમરજીતના મિત્ર રમાકાંત રાજપૂતની ફરિયાદ પર હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. કેટલાક આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે.
બાઇકની ચાવી બાબતે ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અમરજીતે અજયને થપ્પડ મારી હતી. જેના કારણે અજયે તેના મિત્રો સાથે મળીને અમરજીત પર હુમલો કરી તેની હત્યા કરી હતી.