Weather Update: ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનથી લઈને પૂર્વમાં બિહાર અને બંગાળ અને આસામ સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં મુશળધાર ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે દેશભરમાં સમાન સ્થિતિનું એલર્ટ જાહેર કર્યું છે. મંગળવારે આસામ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે હિમાચલ, હરિયાણા, યુપી અને દિલ્હી સહિત 14 રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
આસામ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ બાદ આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ હિમંતા બિસ્વસર્મા સાથે વાત કરી અને તમામ મદદનું આશ્વાસન આપ્યું. શર્માએ આગામી 48 કલાકને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા છે. અરુણાચલમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પૂર્વ કામેંગમાં આવેલી કામેંગ નદીમાં અનેક ઘરો ધોવાઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઉત્તરાખંડ, હરિયાણા, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ત્રિપુરા, મેઘાલયમાં મુશળધાર વરસાદ થયો છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, કેરળ અને કર્ણાટકમાં ઘણી જગ્યાએ વરસાદ થયો છે. જ્યારે રાજસ્થાનમાં સોમવારે સવારે 8:30 વાગ્યા પહેલાના 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ બાંસવાડાના ઘાટોલમાં 76 મીમી અને જાલોરના રાનીવાડામાં 71 મીમી નોંધાયો હતો.