- પ્રથમ દિવસે આંગણવાડી/ બાલમંદિરમાં કુલ 6366 બાળકોનું નામાંકન
- બાલ વાટિકામાં કુલ 12517 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો
- ધોરણ 1 માં કુલ 8527 નવા બાળકોને દાખલ કરવામાં આવ્યા
- જિલ્લાની 9 શાળાઓમાં બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની શરૂઆત કરવામાં આવી
- 1091 કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચુકવવામાં આવ્યા
- શાળાઓને વિવિધ સુવિધાઓ માટે રોકડ અને વસ્તુ સ્વરૂપે રૂ. 46,69,672 નો લોકફાળો મળ્યો
સમગ્ર રાજ્યમાં 26 જૂનથી 28 જૂન સુધી 21 મા શાળા પ્રવેશોત્સવ – કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ત્રી દિવસીય આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભરની 2,679 શાળાઓમાં 93 હજારથી વધુ બાળકોનું નામાંકન કરવામાં આવશે.
ગુજરાતના શાળા શિક્ષણની સ્થિતિ બદલવા અને બાળકોના પ્રારંભિક શિક્ષણને વેગ આપવા વર્ષ 2003 થી શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવથી બનાસકાંઠા જેવા પછાત અને સરહદી જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટવાની સાથે ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સો ટકા નામાંકન થયું છે.
‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે બનાસકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જિલ્લાની 665 પ્રાથમિક અને 116 માધ્યમિક શાળાઓ મળી કુલ 781 શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજના પ્રથમ દિવસે આંગણવાડી/ બાલમંદિરમાં કુમાર 3298, કન્યા 3068 મળી કુલ 6366 બાળકોનું નામાંકન થયું છે. જ્યારે બાલ વાટિકામાં 6428 કુમાર , 6089 કન્યા મળી કુલ 12517 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.
ધોરણ 1 માં આજના દિવસે કુમાર 4373, કન્યા 4154 મળી કુલ 8527 નવા બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 117 કુમાર અને 109 કન્યા મળી કુલ 226 બાળકોને ધોરણ 1 માં પુન: પ્રવેશ અપાયો છે. જ્યારે 22 કુમાર અને 19 કન્યા મળી કુલ 41 દિવ્યાંગ બાળકોનું ધોરણ 1 માં નામાંકન કરવામાં આવ્યું છે. આ સાથે ધોરણ 9 માં કુલ 11120 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં 6112 કુમાર અને 5008 કન્યાનો સમાવેશ થાય છે.
ધોરણ 10 થી 11 માં કુમાર 3360 અને કન્યા 2664 મળી કુલ 6024 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે જિલ્લાની 9 શાળાઓમાં બાળકો માટે ટ્રાન્સપોર્ટશન ની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે 1091 કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચુકવવામાં આવ્યા છે. શાળા પ્રવેશોત્સવ ઉજવણી અંતર્ગત દાન અને મળેલ લોકસહકારની વાત કરીએ તો શાળાઓને વિવિધ સુવિધાઓ માટે રૂ. 11,85,850 રોકડ સ્વરૂપે અને વસ્તુ સ્વરૂપે રૂ. 34,83,822 મળી કુલ રૂ. 46,69,672 નું દાનરૂપ લોકફાળો મળ્યો છે.
શાળા પ્રવેશોત્સવ ગુજરાતની આગવી પહેલ છે. શાળા પ્રવેશોત્સવથી શિક્ષણક્ષેત્રે ઘણા સુધારા વધારા થયા છે. શાળા પ્રવેશોત્સવ મહોત્સવમાં અધિકારીઓથી માંડી મુખ્યમંત્રીશ્રી સુધીના મહાનુભાવો બાળકોને શાળા પ્રવેશ કરાવી રહ્યા છે. જે બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે એક પ્રેરણાદાયી પગથિયુ સાબિત થયું છે. સરકારની આ પહેલને કારણે બનાસકાંઠા જેવા જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની પહેલથી બાળકોના સ્થાનિક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવ્યું છે.
સુવિધાયુક્ત કલાસરૂમ, મધ્યાહન ભોજન યોજના, એકમ કસોટી, અઠવાડિક ટેસ્ટ વગેરે પ્રવૃતિઓને લીધે બાળકોની ગુણવત્તા સુધરી છે. નવી શિક્ષણ નીતિને કારણે ધોરણ 1માં પ્રવેશની ઉંમર 6 વર્ષની કરવામાં આવી છે. શિક્ષણની કેડી પર પ્રથમ પગથિયું મુકનાર તમામ ભૂલકાઓના ઉજ્જવળ ભવિષ્ય ઘડતરની દિશામાં સરકારશ્રીની આ પહેલને સાર્થક કરવા તંત્ર સજ્જ બન્યું છે.