Whather Update : ગુજરાતમાં આખરે ચોમાસું જામ્યું છે. રવિવારથી વરસાદે જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 66થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી છે.
અમદાવાદમાં વરસાદ આવ્યો
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતવરણ સર્જાયું છે. સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો જુદા જુદા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોના જુદા જુદા ભાગમાં સામાન્ય-મધ્યમ વરસાદની અવરજવર ચાલુ છે.
24 થી 26 માં રાજ્યમાં વરસાદ વરસશે
અંબાલાલ પટેલે કહ્યું કે, 24 થી 26 માં રાજ્યમાં વરસાદનું કદ વધશે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ થશે. તો સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો
જામનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડે છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં છૂટો છવાયો વરસાદ પડે છે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ આવવાની વકી છે.