International Yoga Day 2024 : “ સ્વયં અને સમાજ માટે યોગ “ થીમ પર ઇન્ડો-પાક બોર્ડર, ઝીરો પોઇન્ટ, નડાબેટ, બનાસકાંઠા ખાતે રાજયકક્ષાના યોગ દિવસની ઉજવણી
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ 10 મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણીમાં સહભાગી બનશે
વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, ગૃહ અને રમત ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ
યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની 68મી સામાન્ય સભા સમક્ષ 21મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ 21 મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
જે અનુસાર સૌપ્રથમ વખત ભારત-પાકિસ્તાન સરહદે આવેલ નડાબેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને BSFના સહ આયોજનમાં આ વર્ષનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.
આ વર્ષના યોગ દિવસની થીમ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ છે, અને રાજ્યભરમાં ૮ મહાનગરપાલિકાઓ, ૩૨ જિલ્લાઓ તથા ૨૫૧ તાલુકા, ૨૦ નગરપાલિકા એમ કુલ ૩૧૨ મુખ્ય સ્થળોએ યોગ દિવસની ઉજવણી માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતથી મહાનગરપાલિકા સુધી શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, આરોગ્ય અને પોલીસ વિભાગો સહીતના તમામ વિભાગો યોગમય બનશે.
મુખ્યમંત્રીએ ૨૧મી જૂને યોજાનારા ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને સવા કરોડ લોકોની સહભાગીતાથી ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે. વર્ષ 2015 થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબ જ મોટી સંખ્યામાં અને વિશાળ જન ભાગીદારી સાથે ઉજવવામાં આવે છે, 10 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ સમગ્ર ગુજરાતમાં ખૂબ જ મોટી સંખ્યામાં અને તમામ વિભાગોના સહયોગથી રાજ્યભરમાં ઉજવવામાં આવનાર છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દેશવાસીઓને પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ નું પણ સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે
ભારત પાકિસ્તાન બોર્ડર, નડાબેટ ઝીરો પોઇન્ટ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, ગૃહ અને રમત ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવી તથા મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ફકત એક જ દિવસ યોગ દિવસની ઉજવણી ન કરતા સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરી દરરોજ યોગ દિવસ તરીકે ઉજવી સુર્ય નમસ્કાર કાર્યક્રમ, યોગ સ્પર્ધા, બાળકો માટે સમર યોગ કેમ્પ, કાઉન્ટ ડાઉન કાર્યક્રમો, સાંસદ યોગ સ્પર્ધા, યોગ શિબિરો, યોગ જાગરણ રેલી વિગેરે કાર્યક્રમો કરી છેવાડાના માનવી સુધી યોગ પહોંચે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવેલ છે.
અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોર્ડ્સની જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે.