Australia Cricket Team: ઓસ્ટ્રેલિયાની ટીમે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં સ્કોટિશ ટીમને 5 વિકેટથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની આ મેચ જીતવાની સાથે જ ઈંગ્લેન્ડની ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ સાથે જ ટૂર્નામેન્ટમાં સ્કોટલેન્ડની ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. આ મેચમાં સ્કોટલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો ઓસ્ટ્રેલિયાએ સરળતાથી પીછો કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે બે ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા જ ગ્રુપ-બીમાંથી સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ હતી. આ ગ્રુપમાંથી સુપર 8માં જવા માટે સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રેસ હતી. હવે ઈંગ્લેન્ડની ટીમે જીત મેળવી છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે જેમાંથી બે જીત સાથે તેના પાંચ પોઈન્ટ છે. ટીમનો નેટ રન નેટ પ્લસ 3.611 છે. સ્કોટલેન્ડના પણ પાંચ પોઈન્ટ છે, પરંતુ તેમનો નેટ રન રેટ પ્લસ 1.255 છે, જે ઈંગ્લેન્ડ કરતા ઓછો છે. આ કારણોસર ઈંગ્લેન્ડની ટીમ સુપર-8 માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.
ટ્રેવિસ હેડે અડધી સદી ફટકારી હતી
ઓસ્ટ્રેલિયન ટીમ માટે ટોપ ઓર્ડરના બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ડેવિડ વોર્નર 1 રન, મિચેલ માર્શ 8 રન અને ગ્લેન મેક્સવેલ 11 રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ ટ્રેવિસ હેડ અને માર્કસ સ્ટોઇનિસે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ખેલાડીઓની જોરદાર બેટિંગના કારણે જ ઓસ્ટ્રેલિયાની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 68 રન અને માર્કસ સ્ટોઇનિસે 59 રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડ તરફથી માર્ક વેઈટ અને સફયાન શરીફે બે-બે વિકેટ લીધી હતી. પરંતુ બાકીના બોલરો કંઈ ખાસ બતાવી શક્યા ન હતા.
ગ્લેન મેક્સવેલે બે વિકેટ ઝડપી હતી
સ્કોટલેન્ડ સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ સ્ટાર્કે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં સ્કોટલેન્ડના બેટ્સમેનોએ પાછલી મેચોની સરખામણીએ સારૂ પ્રદર્શન કર્યું હતું. ઓપનર જ્યોર્જ મુન્સીએ 35 રનનું યોગદાન આપ્યું હતું. તેની વિકેટ ગ્લેન મેક્સવેલે લીધી હતી. બ્રેન્ડન મેકમુલાને અડધી સદી ફટકારી હતી. તેણે 34 બોલમાં 6 સિક્સર સહિત 60 રનની ઇનિંગ રમી હતી. તે મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ એડમ ઝમ્પાએ તેની વિકેટ લીધી હતી. તેના સિવાય કેપ્ટન રિચી બેરિંગટને 42 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ સ્કોટલેન્ડની ટીમ 20 ઓવરમાં 180 રન સુધી પહોંચી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.