Girl Dies in Borewell: અમરેલીના સુરાગપરા ગામમાં બોરમાં પડેલી બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઇ હારી ગઇ છે. 17 કલાક ચાલેલા રેસક્યૂ ઓપરેશન બાદ બાળકીનું નિધન થયું છે. NDRF અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
અમરેલીના સુરાગપુરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં શુક્રવારે વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી, જેને બોરવેલમાંથી બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ આખરે આ બાળકી જીવન સાથેની લડાઈ હારી ગઈ. NDRF, અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
બાળકીને બચાવવા રોબોટને પણ કામે લગાડાયો હતો
અમરેલીના લાઠી તાલુકાના સુરગપરા ગામમાં આરોહી નામની દોઢ વર્ષની ખેત મજૂર પરિવારની બાળકી ખેતરના ખુલ્લા બોરવેલમાં પડી ગઇ હતી. પરિવારની એકની એક દીકરી બોરવેલમાં પડી હોવાનું દેખાતા માતા-પિતા હતપ્રભ બની ગયા હતા. બનાવની જાણ સ્થાનિક પ્રશાસનને કરવામાં આવતા અમરેલી ફાયર વિભાગ તેમજ રોબોટ રેસક્યુ ટીમ સ્થળ પર પહોંચી ઓપરેશન આરોહી શરૂ કરવામાં આવ્યું હતું અને બાળકીને બચાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.
બાળકીને બચાવવા માટે ફાયર વિભાગ દ્વારા ઇમરજન્સી સર્વિસના કેમેરા તેમજ રાજુલાના એક યુવક દ્વારા બનાવવામાં આવેલ બોરવેલ રેસક્યુ રોબોટની પણ મદદ લેવામાં આવી હતી. આ રોબોટને બોરવેલમાં ઉતારવામાં આવ્યો હતો અને આ રોબોટ બાળકી સુધી નીચે પહોંચી ગયો હતો પરંતુ બાળકીનું માથું બોરવેલના પાઇપ સાથે અડેલુ હોવાને કારણે મુશ્કેલી પડી હતી. જોકે, તે માટે સળિયા મંગાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કરી બાળકીને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. બાળકીને બચાવવા માટે 17 કલાક રેસક્યૂ ઓપરેશન ચાલ્યુ હતુ પણ અંતે બાળકીને બચાવી શકાઇ નહતી.
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, પોતાના નાના બાળકને એકલું મૂકવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તે આ ઘટના પરથી જાણી શકાય છે. વર્તમાન સમયમાં રમતા રમતા બાળક બોરવેલમાં પડી જવાની ઘટનાઓ વધી રહી છે.
બોરવેલમાં પડવાથી મોતની ઘટના
- 2018માં ગુજરાતમાં 15 બાળકોના મોત
- 2019માં ગુજરાતમાં 10 બાળકોના મોત
- 2020માં ગુજરાતમાં 5 બાળકોના મોત
- 2021માં ગુજરાતમાં એક પણ બનાવ બન્યો નથી
- 2023માં તાજેતરમાં જામનગરમાં બનાવ બન્યો હતો તેમાં 1નું મોત