Supreme Court: સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી સરકારને પાણી પુરવઠા માટે અપર યમુના રિવર બોર્ડ (UYRB)ને અપીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હિમાચલ પ્રદેશ સરકારે યુ-ટર્ન લીધા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. હિમાચલ સરકારે જણાવ્યું કે તેમની પાસે વધારાનું પાણી નથી. આના પર જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની વેકેશન બેંચે દિલ્હી સરકારને સાંજે 5 વાગ્યા સુધીમાં અપર યમુના રિવર બોર્ડ સમક્ષ અપીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
હિમાચલ પ્રદેશ સરકાર વધારે પાણી હોવાનો ઇનકાર કરે છે
કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે માનવતાના આધાર પર અપીલ કરવી જોઈએ. હિમાચલ પ્રદેશ સરકારે અગાઉ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તેમની પાસે વધારાનું પાણી છે, ત્યારબાદ કોર્ટે હિમાચલને વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો, જે હરિયાણા થઈને દિલ્હી પહોંચવાનું હતું, પરંતુ હવે હિમાચલે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે અને કોર્ટને જણાવ્યું છે કે તેમની પાસે 136 ક્યુસેક વધારાનું પાણી નથી.
કોર્ટે બોર્ડમાં અપીલ કરવાની સૂચના આપી હતી
ખંડપીઠે કહ્યું કે, ‘રાજ્યો વચ્ચે યમુનાના પાણીનું વિભાજન એક જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે અને આ કોર્ટ પાસે તેના પર નિર્ણય લેવાની તકનીકી કુશળતા નથી. આવી સ્થિતિમાં, આ બાબત બોડી પર છોડી દેવી જોઈએ જે વર્ષ 1994માં વિવિધ પક્ષો વચ્ચે સમજૂતી બાદ એમઓયુ દ્વારા રચવામાં આવી હતી. કોર્ટે કહ્યું, ‘અપર યમુના રિવર બોર્ડે પહેલાથી જ દિલ્હી સરકારને પાણી પુરવઠા માટે અરજી દાખલ કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકારે પિટિશન ફાઈલ કરવી જોઈએ અને જો તેણે હજુ સુધી આમ ન કર્યું હોય તો આજે સાંજે 5 વાગ્યા સુધીમાં દાખલ કરો. આ બાબતે આવતીકાલે બોર્ડની બેઠક મળવી જોઈએ અને વહેલી તકે નિર્ણય લેવો જોઈએ.