Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી 9 જૂને સાંજે 7.15 કલાકે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આજે એનડીએ દ્વારા સાંસદોના સમર્થન પત્રો રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે એનડીએના સાંસદોએ પીએમ મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. આ પછી પીએમ મોદી પોતે આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો.
શપથ ગ્રહણમાં કયા મહેમાનો હાજરી આપશે?
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે 9 જૂને દિલ્હી પહોંચશે. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં દક્ષિણ એશિયાના ઘણા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથને પણ રવિવારે યોજાનાર હાઇ-પ્રોફાઇલ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ
PM મોદી રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત PM તરીકે શપથ લેશે. આ અંગે રાષ્ટ્રપતિને મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન રવિવારે શપથ ગ્રહણ સમારોહની વિગતો તૈયાર કરશે અને ત્યાં સુધીમાં તેઓ મંત્રી પરિષદની યાદી રાષ્ટ્રપતિને સોંપી દેશે.
PMએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા
અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિપક્ષો પર લોકશાહીમાં લોકોનો વિશ્વાસ નષ્ટ કરવાનો અને ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની ચૂંટણીની જીતને ‘હારના પડછાયા’ હેઠળ આવરી લેવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો કે લોકસભા ચૂંટણીમાં શાસક ગઠબંધનને ‘ભવ્ય વિજય’ મળ્યો છે અને NDA દેશમાં સૌથી સફળ ચૂંટણી પૂર્વ ગઠબંધન સાબિત થયું છે.