Ahmedabad Municipal Corporation : આ ચોમાસામાં પણ અમદાવાદમાં પાણી ભરાવાનું એ નક્કી જ છે, તંત્ર ભલે ગમે તેટલો દાવો કરે પણ પાણી તો ભરાશે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને મુખ્ય કંટ્રોલ રૂમ સહિત તમામ 7 ઝોન માટે અલગ વોટ્સએપ નંબર 9978355303 જાહેર કરાયા છે. જેના દ્વારા લોકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે
અમદાવાદ એટલે એમ્સ્ટરડેમ એવું જરા પણ ન સમજતા. કારણ કે, અહીં ચોમાસામાં આ શહેર બદતર બની જાય છે. તેમાં પણ આ ચોમાસું તો અમદાવાદીઓ માટે આકરું બની રહેવાનું છે. કારણ કે, ખુદ એએમસીના સત્તાધીશો સ્વીકારે છે અમદાવાદના કેટલાક સ્પોટ પર ગેરેન્ટીથી ચોમાસામાં પાણી ભરાશે. આવા 130 સ્પોટનું લિસ્ટ બનાવવામાં આવ્યુ છે. જો ચોમાસામાં આ વિસ્તારોમાંથી નીકળ્યા તો મર્યા સમજો. પરંતું જો તમારા વિસ્તારમાં પાણી ભરાય તો તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા જાહેર કરાયેલા નંબર પર ફોન કરી શકો છો.
આગામી ચોમાસાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગઈકાલે કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિ. કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં વરસાદી પાણી ભરાય છે તેવી 130 જગ્યામાંથી 102 સ્થળે કામ કરાયાનો દાવો કર્યો છે. પરંતુ આ તમામ સ્થળે પાણી ભરાશે જ એવું અધિકારીઓનું માનવું છે, જોકે, પ્રી-મોન્સુનની કામગીરી અંતર્ગત સૌથી વધુ પાણી ભરાતા સ્થળો પર ઝડપી પાણીનો નિકાલ થાય એ પ્રકારની કામગીરી કરી છે.
ગણતરીના દિવસોમાં શરૂઆત ચોમાસાની શરૂઆતના એંધાણ છે. ત્યારે ચોમાસાના આગમનને લઈને amc એ પ્રિ મોનસુન પ્લાન રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં ચોમાસાને લઇ કરવાની થતી અને ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરાઈ રહી છે. પ્રેઝન્ટેશન થકી તંત્રે આંકડાકીય માહિતી રજૂ કરાઈ હતી.