Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં NDA ગઠબંધનને પૂર્ણ બહુમતી મળવા બદલ વિદેશી નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ આ તમામ નેતાઓનો આભાર માન્યો હતો. આ નેતાઓમાં શ્રીલંકાના વિપક્ષી નેતા સજીથ પ્રેમદાસા, શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સરત ફોનસેકા, મહિન્દા રાજપક્ષે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, નેપાળના વડાપ્રધાન પ્રચંડ અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેનો સમાવેશ થાય છે.
આ સિવાય મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથએ કહ્યું કે ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે તમારી પ્રશંસનીય જીત માટે વડાપ્રધાન મોદીજીને અભિનંદન. તમારા નેતૃત્વમાં સૌથી મોટી લોકશાહી નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરતી રહેશે. મોરેશિયસ-ભારત વિશેષ સંબંધ લાંબુ જીવો.
પીએમ મોદીનો આભાર માનતા તેમણે કહ્યું કે તમારા હૃદયપૂર્વકના સંદેશ માટે વડાપ્રધાન કુમાર જગન્નાથજીનો આભાર. મોરિશિયસ અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી, વિઝન ઓશન અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના આંતરછેદ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું અમારી વિશેષ ભાગીદારીને ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.
ભુતાનના PMએ શું કહ્યું?
શેરિંગ તોબગેએ કહ્યું કે મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDAને વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં સતત ત્રીજી વખત ઐતિહાસિક જીત માટે અભિનંદન. તે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે, હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમની સાથે મળીને કામ કરવા આતુર છું.
પીએમ મોદીએ જવાબમાં કહ્યું કે મારા મિત્ર વડા પ્રધાન શેરિંગ તોબગેનો તમારી ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ માટે આભાર. ભારત-ભુટાનના સંબંધો મજબૂત થતા રહેશે.