T20 World Cup 2024 : ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. વરસાદના કારણે મેચ 10 ઓવરની કરવામાં આવી હતી. પરંતુ ભારે વરસાદને કારણે મેચ યોજાઈ શકી ન હતી. T20 વર્લ્ડ કપ 2024માં પ્રથમ મેચ રદ્દ કરવામાં આવી છે. બીજી તરફ T20 વર્લ્ડ કપ 2024માં નેધરલેન્ડની ટીમે નેપાળની ટીમને 6 વિકેટથી હરાવ્યું છે. નેપાળના દાવને 19.2 ઓવરમાં 106 રનમાં સમેટી લીધા બાદ નેધરલેન્ડે 19.4 ઓવરમાં ચાર વિકેટે 109 રન બનાવ્યા હતા અને આ વિજયથી બે પોઈન્ટ મેળવ્યા હતા. નેધરલેન્ડ માટે મેક્સ ઓ’ડોડે જોરદાર બેટિંગ કરી હતી. તેણે અડધી સદી ફટકારતા 54 રન બનાવ્યા અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ રદ્દ
સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ઓપનિંગ બેટ્સમેન માઈકલ જોન્સ (અણનમ 45) અને જ્યોર્જ મુન્સે (41 અણનમ)ની શાનદાર બેટિંગના કારણે વરસાદથી પ્રભાવિત મેચમાં સ્કોટલેન્ડે 10 ઓવરમાં વિના નુકસાન 90 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ઈંગ્લેન્ડને જીતવા માટે 10 ઓવરમાં 109 રનનો ટાર્ગેટ હતો, પરંતુ સ્કોટલેન્ડની ઈનિંગ્સનો અંત આવતા જ ફરીથી વરસાદ શરૂ થયો અને અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો. આ પહેલા પણ બે વખત વરસાદે મેચ ખોરવી હતી. ટોસ બાદ વરસાદ અને પિચનો એક ભાગ ભીનો હોવાને કારણે મેચ લગભગ અડધા કલાકના વિલંબ સાથે શરૂ થઈ હતી. સ્કોટલેન્ડના દાવની સાતમી ઓવર વરસાદે ફરી વિક્ષેપ પાડી હતી. વરસાદ બાદ જ્યારે રમત ફરી શરૂ થઈ ત્યારે મેચ 10-10 ઓવરની કરવામાં આવી હતી.
ટિમ પ્રિંગલે ત્રણ વિકેટ લીધી હતી
મેન ઓફ ધ મેચ ટિમ પ્રિંગલે 20 રનમાં ત્રણ વિકેટ લીધી હતી જ્યારે લોગાન વેન બીકે નેપાળ સામે 18 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. પોલ વાન મીકરેન અને બાસ ડેલિડેને બે-બે સફળતા મળી. નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સનો ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય તેના બોલરોએ સાચો સાબિત કર્યો હતો જેઓ નિયમિત અંતરે વિકેટ લેતા રહ્યા હતા. નેપાળ તરફથી કેપ્ટન રોહિત પૌડેલે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. તેણે 37 બોલની ઈનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. કરણ કેસી (17) અને ગુલશન ઝા (14)એ ટૂંકી ઈનિંગ્સ રમીને ટીમને 100 રનથી આગળ લઈ ગઈ હતી.
આ બેટ્સમેને અડધી સદી ફટકારી હતી
લક્ષ્યનો પીછો કરતી વખતે નેધરલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. બીજી ઓવરમાં માઈકલ લેવિટ (એક રન) આઉટ થતાં આંચકો લાગ્યો હતો. તે સોમપાલનો શિકાર બન્યો હતો. આ પછી મેક્સ ઓ’ડાઉડ (54 રન) અને વિક્રમજીત સિંહ (22 રન)એ નિયંત્રણ સાથે બેટિંગ કરી અને પાવરપ્લેમાં ટીમનો સ્કોર એક વિકેટે 36 રન સુધી પહોંચાડ્યો. દીપેન્દ્રએ નવમી ઓવરમાં વિક્રમજીતને આઉટ કર્યો હતો. નેધરલેન્ડ માટે સાયબ્રાન્ડ એન્જેલબ્રેચટે 14 રન અને બાસ ડી લીડે 11 રન બનાવ્યા હતા.