Rajkot TRP News: રાજકોટ અગ્નિકાંડમાં ગેમઝોનના મુખ્ય ભાગીદાર પ્રકાશ હિરનનું મોત નીપજ્યુ છે. પ્રકાશ હિરનનું DNA મેચ થતા મોત થયાનો ખુલાસો થયો છે. રાજકોટમાં ઘટના બની ત્યારથી પ્રકાશ હિરન ગુમ હતા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. પ્રકાશ હિરનનો ફોન પણ તે સમયથી જ બંધ હતો. રાજકોટમાં જ્યા અગ્નિકાંડ સર્જાયો એ ગેમઝોનમાં પ્રકાશ હિરનની 60% ભાગીદારી હતી.
મળતી માહિતી અનુસાર રાજકોટ ગેમઝોનમાં આગ લાગી ત્યારે પ્રકાશ હિરન ગેમઝોનમાં હાજર હતો. અને આગને બુઝાવવાના પ્રયાસ કરતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તેનો મોબાઇલ નંબર બંધ આવવા લાગ્યો હતો. તપાસ ટીમ પણ તેને શોધી રહી હતી પરંતુ બે દિવસથી કોઇ પત્તો લાગ્યો ન હતો.
આખરે તેના ભાઇએ રાજકોટ તાલુકા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પ્રકાશની કોઇ ભાળ નહી મળતા અરજી આપી હતી. પોલીસ દ્વારા પ્રકાશની માતાના ડીએનએ લઇને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. ગાંધીનગરથી ટેસ્ટિંગ બાદ એફએસએલનો રિપોર્ટ આવ્યો છે. જેમાં પ્રકાશ હિરનનું પણ મોત થયાનું ખુલ્યુ છે