National News: ચક્રવાતને કારણે ભૂસ્ખલન, ઇમારતો ધરાશાયી થવા અને પાવર અને ઇન્ટરનેટ સેવાઓમાં વિક્ષેપ સહિત નોંધપાત્ર નુકસાન, ત્રણ રાજ્યોમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોતચક્રવાત રેમલે મિઝોરમ, આસામ અને મેઘાલયમાં તબાહી મચાવી છે. આ ત્રણ રાજ્યોમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ પણ લાપતા છે.
ચક્રવાતને કારણે ભૂસ્ખલન, ઇમારતો ધરાશાયી થવા અને પાવર અને ઇન્ટરનેટ સેવાઓમાં વિક્ષેપ સહિત નોંધપાત્ર નુકસાન થયું હતું. વાત જાણે એમ છે કે, ઉત્તરપૂર્વમાં થયેલા મૃત્યુ ઉપરાંત મંગળવારે કોલકાતા અને આસપાસના જિલ્લાઓમાં વધુ ત્રણ મૃત્યુ નોંધાયા હતા. રવિવારે રાત્રે બંગાળના સાગર ટાપુ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ચક્રવાત લેન્ડફોલ થયા પછી નોંધાયેલા છ મૃત્યુમાં તેઓનો સમાવેશ થાય છે. બંગાળમાં નવ મૃત્યુ વીજળીના આંચકા, વૃક્ષો પડી જવા અને મકાન ધરાશાયી થવાને કારણે થયા હતા.
હજી પણ વધી શકે છે મૃત્યુઆંક
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન અધિકારીઓના જણાવ્યા અનુસાર મિઝોરમમાં સોમવારે રાતથી ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 28 લોકોના મોત થયા છે. એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. રાજ્યની રાજધાની આઈઝોલમાં ભારે વરસાદને કારણે ડઝનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. પથ્થરની ખાણ ધરાશાયી થતાં મકાનો ધરાશાયી થયા બાદ મેલ્થમ વિસ્તારમાં કાટમાળમાંથી 13 મૃતદેહો મળી આવ્યા હતા. નજીકના હેલીમેન વિસ્તારમાં છ લોકોએ જીવ ગુમાવ્યો હતો. દક્ષિણ આઈઝોલના સાલેમ વિસ્તારમાં ભૂસ્ખલનથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા, જેમના મૃતદેહ મંગળવારે મળી આવ્યા હતા.
આસામમાં ચાર લોકોના મોત તો મેઘાલયમાં પણ તબાહી
આ તરફ આસામમાં વાવાઝોડાએ એક વિદ્યાર્થી સહિત ચાર લોકોના જીવ લીધા અને અનેક સ્કૂલના બાળકો ઘાયલ થયા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કામરૂપ, કામરૂપ (મેટ્રો), મોરીગાંવ અને ઉત્તર લખીપુર જિલ્લામાં મૃત્યુની નોંધ કરી છે. વૃક્ષો પડવાથી ત્રણ અને ભૂસ્ખલનને કારણે એકના મોત થયા છે.
મેઘાલયમાં પૂર્વ જયંતિયા હિલ્સમાં એક મૃત્યુ નોંધવામાં આવ્યું છે, જ્યાં દિવાલ ધરાશાયી થતાં 26 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ વિનાશને લઈ મિઝોરમ સરકારે કટોકટી અને આવશ્યક સેવાઓ સિવાય તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. મિઝોરમ, આસામ અને મેઘાલયના ઘણા વિસ્તારોમાં વીજળીના થાંભલા પડી જવાથી અને વૃક્ષો ધરાશાયી થવાને કારણે વીજળી અને સંચાર સેવાઓ ખોરવાઈ ગઈ હતી. વાવાઝોડાની અસર બંગાળ અને બાંગ્લાદેશથી મિઝોરમ, ત્રિપુરા અને આસામ સુધી ફેલાઈ છે જેનાથી મોટા વિસ્તારને અસર થઈ છે