આજ રોજ આગામી ચોમાસા દરમ્યાન પૂર, વાવાઝોડુ અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિનો સામનો કરવા, આગોતરી તૈયારી કરવા અને જોખમ ઘટાડવા માટેના આગોતરા આયોજનના ભાગરૂપે કલેકટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ પ્રિ-મોન્સુનની તૈયારીઓ અને તકેદારીના ભાગરૂપે આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર, વાવાઝોડું અને અતિવૃષ્ટિની સંભાવનાને પહોંચી વળવા આગોતરું આયોજન કરી ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. તેમણે પ્રિ-મોન્સુન દરમિયાન જિલ્લાના દરેક વિભાગે કરવાની થતી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ પ્રિ-મોન્સુન બેઠકમાં વીડીએમપી, ટીડીએમપી અને સિડીએમપી પ્લાન અપડેટ કરવા, રાહત અને બચાવની કામગીરી માટે જરૂરી સાધન સામગ્રીની ચકાસણી, રોડ – રસ્તાનું સમારકામ અને લેવલીંગ, પાણીના નિકાલના માર્ગો અડચણમુક્ત કરવા, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંય પાણી ન ભરાય તેની તકેદારી રાખવા, કંટ્રોલ રૂમની કામગીરી, બચાવ રાહત અને પુનઃ સ્થાપનની કામગીરી, રાહત વિતરણ, આરોગ્ય વિષયક સેવાઓ, પીવાનું શુદ્ધ પાણી અને ભોજન વ્યવસ્થા, અવિરત વીજપુરવઠો અને સંદેશા વ્યવહાર જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ, જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.