Vadodara News : વડોદરા (VADODARA) પાસે પંચર પડેલા ટ્રેલરમાં ડમ્પર ધડાકા ભેર પાછળથી ઘુસી જતા અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. જેમાં અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલકનું મોત નિપજ્યું છે. સમગ્ર મામલે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ધડાકાભેર પાછળથી અથડાણી
વડોદરા તાલુકા પોલીસ મથકમાં હસમુખભાઇ દાદુભાઇ જાદવ (રહે. વાડી વિસ્તાર, ગોહિલની ખાણ, કોડીનાર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ રાજમોટી રોડ પર આવેલા મુવર્સ એન્ડ ટાન્સપોર્ટ કંપનીમાં છેલ્લા બે વર્ષથી સુપરવાઇઝર તરીકે કામ કરે છે. ગતરોજ સવારે ત્રણ વાગ્યે તેઓ સુતા હતા. દરમિયાન મહિન્દ્રા ટેમ્પોના ડ્રાઇવર મેરૂભાઇનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે, ટાયર ફાટી ગયેલું હોવાથી વડોદરા નજીક સમીયાલા લક્ષ્મીપુરા રોડ પર દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ રોડ પર કિનારીએ તેમનું ટ્રેલર ઉભુ રાખ્યું હતું. તેવામાં રાજમોતી રોડ મુવર્સના ટ્રેલરના ડ્રાઇવર પ્રદિપસિંહ ઓરાએ ધડાકાભેર પાછળથી અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં પ્રદિપસિંગ ઓરાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પાદરા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા.
ફરિયાદ દાખલ કરવામાં આવી
ત્યાં જઇને જોતા તેઓ મૃત્યુ પામ્યા હતા. પંચર પડેલ વાહનમાં પાછળથી ડમ્પર ભટકાવવાને કારણે ચાલકનું ઘટનામાં મૃત્યું થયું હતું. સમગ્ર મામલે પ્રદિપસિંહ વિક્રમસિંહ ઓરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અમલીકરણ રોડ-રસ્તા પર પણ જણાય
અત્રે નોંધનીય છે કે, વડોદરા પાસે ભારદારી વાહનોના અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. જેને રોકવા માટે અથવાતો ઘટાડવા માટે તંત્રએ કમર કસવી પડશે. પોલીસ તંત્ર દ્વારા સડક સુરક્ષા અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ તેનું અમલીકરણ રોડ-રસ્તા પર પણ જણાય તે દિશામાં સઘન પ્રયત્નો હાથ ધરવા પડશે. તો જ તેની ખરી સફળતા પ્રાપ્ત થશે. નહિતો અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેશે, અને અકસ્માતમાં લોકો પોતાના જીવ ગુમાવતા રહેશે.