Gujarat Weather Update : ગુજરાતનાં વાતાવરણમાં કલ્પનીય પલટો આવ્યો છે. એક તરફ હીટવેવની આગાહી છે, આગ દઝાડતી ગરમી છે અને બીજી તરફ, અડધા ગુજરાતમાં વરસાદ આવ્યો છે. આજે અને કાલે ગુજરાતમાં હીટવેવની આગાહી. તે વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાત, તથા સૌરાષ્ટ્રમાં વરસાદની દસ્તકથી વાતાવરણ પલટાયું છે. હજી 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શકયતા આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.
ક્યાં જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે મહીસાગરમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તાપી અને જુનાગઢમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જામનગર, સુરતમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
આજે બુધવારના રોજ ભાવનગરમાં હિટવેવની આગાહી કરાઇ છે, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરમાં બે દિવસ પહેલા આવેલા વાતાવરણમાં પલટાને લીધે ગરમીમાં નોંધનીય ઘટાડો થયો હતો. જેમ કે, રવિવારના રોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું હતું, એ સિવાય 20થી વધુ શહેરનું તાપમાન 40 ડિગ્રીથી નીચે પહોંચી ગયું હતું.
જોકે બે દિવસથી સતત ફરી તાપમાનનો પારો ઊંચકાતા ગરમીનો પ્રકોપ વધ્યો છે. મંગળવારે રાજ્યના 3 શહેરમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. જેમાં સૌથી વધુ ભુજમાં 43.5 ડિગ્રી, અમદવાદમાં 43.3 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એ સિવાય ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટ માં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આંધી સાથે વરસાદ આવશે – અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
મંગળવારે ક્યાં ક્યાં વરસાદ આવ્યો
મંગળવારે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવ્યા હતા. રાજકોટના વિંછીયાના વિવિધ વિસ્તારમાં ભારે પવન અને કરા સાથેનો વરસાદ આવ્યો હતો. વીંછીયા, થોરિયાળી, પીપરડી સનાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ ત્રાક્યો હતો. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. તો અમરેલીમાં ઢળતી સાંજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજના સમયે આકાશમાં અચાનક વાદળો ઘેરાયા હતા. જેથી અમરેલી શહેર સહીત કેટલાક વિસ્તારમા કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. જોકે વરસાદ છતાં અમરેલી જિલ્લામાં ગરમીથી કોઈ રાહત નથી.
ઉત્તર ગુજરાતમાં વરસાદ
સાબરકાંઠાના ઈડરના કડિયાદરા ભુતિયા, ભજપુરા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. તો અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં કાળઝાળ ગરમીમાં માવઠું પડ્યુ હતું. ટીંટોઇ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી.