Lok Sabha Election 2024: રાજ્યમાં લોકસભાના પર્વમાં આજે વહેલી સવારથી મતદાન મથક પર લોકોની ભીડ જોવા મળી હતી. ત્યારે નર્મદા,જેતપુર,ઉપલેટા,બનાસકાંઠા અને નવસારીમાં ક્યાંક EVM તથા વીવીપેટમાં ખામી જોવા મળી હતી
રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીના મતદાન સમયે કેટલાંક સ્થળ પર બબાલ થઈ હતી. સાબરકાંઠા બેઠક પર અરવલ્લી જિલ્લાના મોડાસાની કે.એન.શાહ સ્કૂલના મતદાન મથક પર EVMને લઈ બબાલ થઈ હતી. EVM ખોટકાયા બાદ ગ્રીન લાઈટ બતાવતુ હોવાનો આક્ષેપ થયા બાદ પોલીસ અને મતદારો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો.
બબાલના બનાવો
કોંગ્રેસના કાર્યકરોએ બબાલ કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ASPએ મુલાકાત કરી મામલો થાળે પાડ્યો હતો. જ્યારે કચ્છ બેઠક પર ભુજના RTO મતદાન મથક પર મોબાઈલ લઈ જવા બાબતે પોલીસ અને મતદારો વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસ સાથેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઉપરાંત પાટણના અંબાજી નેળિયા વિસ્તારમાં શાંતિ નિકેતન સ્કૂલમાં ભાજપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે બોલાચાલી થઈ હતી. ભાજપના કાર્યકરો પરિવાર સાથે મતદાન મથકમાં પ્રવેશતા કોંગ્રેસના એજન્ટે અટકાવ્યા હતા. તેથી ફરજ પરના પોલીસ કર્મચારીઓએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો.
EVMમાં ખામી સર્જાવાની ઘટના
રાજ્યમાં લોકસભાના પર્વમાં આજે વહેલી સવારથી મતદાન મથક પર લોકોની ભીડ જોવા મળી હતી. ત્યારે નર્મદા,જેતપુર,ઉપલેટા,બનાસકાંઠા અને નવસારીમાં ક્યાંક EVM તથા વીવીપેટમાં ખામી જોવા મળી હતી. મતદાન મથકો પર EVM બગડતા તંત્ર દોડતું થયું હતું. EVM મશીન બંધ થતાં કતારમાં ઉભેલા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો.