Lok Sabha Election : લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે રાજ્યની 25 લોકસભા સીટો પર મતદાન યોજાશે. આ તરફ હવે ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં લીંબડી, વાઘોડિયા, અમદાવાદના કાલુપુર, ભાવનગર અને નવસારીમાં EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ લીંબડી પ્રાથમિક શાળા નંબર-4માં ઇવીએમ મશીન ખોટવાયુ છે. ઘટનાને લઈ પ્રાન્ત અધિકારી તાત્કાલિક મતદાન મથકે પહોંચ્યા છે. આ તરફ વડોદરાના વાઘોડિયામાં 3 બુથ પર EVMમાં ખરાબી હોવાનું સામે આવ્યું છે. જેને લઈ EVM બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે. વાઘોડિયાના ભાડોલ, ગંગાનગર, રાજપુરા બુથ પર EVMમાં ખરાબી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના કાલુપુરમાં EVM મશીન બગડ્યું છે. અહીં કાલુપુરની શાળા નંબર 22માં EVM બગડ્યું છે. આ તરફ EVM બંધ થતાં મતદાનમાં વિલંબ થયો હતો. આજે સવારે 7:40 વાગ્યે મતદાન શરૂ થતાં મતદાતા પરેશાન બન્યા હતા. આ તરફ ભાવનગર શહેરમાં 2 EVM ખોટકાયા છે. મિલિટરી સોસાયટીની શાળામાં 2 EVM ખોટકાયા હતા. સરકારી શાળામાં બુથ નંબર 225 પર EVM બંધ થતાં અડધા કલાકથી મતદાન રોકાતાં મતદારો અટવાયા છે. નવસારીની ટાટા બોયઝ સ્કૂલમાં EVM મશીન ચાલું થયું ન હતું. બૂથ નંબર-9નું EVM શરૂ ન થતાં લોકોની લાંબી કતાર જોવા મળી હતી. મતદાન 30 મિનિટ મોડું શરૂ થતાં મતદારો પરેશાન બન્યા હતા.
લોકસભા ચૂંટણી હવે તેના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે અને આજે વહેલી સવારથી ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે 93 બેઠકો માટે મતદાન થશે જેમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. અગાઉ, 94 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું હતું પરંતુ ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી બેઠક માટે મતદાનની તારીખ 25 મે પર મુલતવી રાખી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો સહિત ગોવાની 2 બેઠકો, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 1-1 બેઠકોનો સમાવેશ થાય છે.