Jain News : અમદાવાદ નગરે અઢીસો વર્ષ પ્રાચીન શ્રી રૂપવિજયજી ડહેલાના ઉપાશ્રયના આંગણે એક અનોખી દીક્ષા યોજાઇ. પૂજ્ય તપાગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી રામસુરીશ્વરજી મહારાજા ડહેલાવાળા ના શિષ્યરત્ન પૂજ્ય આચાર્ય શ્રી જગ્ગચંદ્ર સૂરીશ્વરજી મહારાજા તથા પૂજ્ય આચાર્ય શ્રી કલ્પયશ સૂરીશ્વજી મહારાજા આદિની પાવન નિશ્રામાં દિયોદર નિવાસી એવા મુમુક્ષુ હસમુખભાઇ કાંતિલાલ હરખાણી ની ભગવતી પ્રવ્રજ્યા યોજાઇ.
ના કોઈ પત્રિકા, ના કોઈ વિદાય સમારોહ, ના કોઈ ધામધૂમ અદભૂત દીક્ષા
અમદાવાદ નગરે શ્રી રૂપવિજયજી ડહેલાના ઉપાશ્રયના આંગણે પૂજ્ય આચાર્ય શ્રી જગ્ગચંદ્ર સૂરીશ્વરજી મહારાજા આદી ઠાણા ની પાવન નિશ્રામાં દિયોદર નિવાસી કાંતિલાલ છોટાલાલ પરિવારના મુમુક્ષુ હસમુખભાઈ એ દીક્ષા અંગીકાર કરેલ. મુમુક્ષુ હસમુખભાઈ ની ભાવના પ્રમાણે આ દીક્ષા પ્રસંગે ડહેલાના ઉપાશ્રયે રપ૦ વર્ષ પુરાણા આ ઉપાશ્રયમાં તપાગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી રામસૂરીશ્વરજી મહારાજા જે ત્રિગડા થી દીક્ષા અંગીકાર કરેલ એજ ત્રિગડા થી હસુભાઈ ને દીક્ષા અંગીકાર કરાવવામાં આવેલ. આ દીક્ષા કાર્યક્રમ માં ના તો કોઈ પત્રિકા છપાવવામાં આવી, ના કોઈ વાયણા, ના કોઈ જ વિદાય સમારોહ, ના કોઈ દેખાડો ફક્ત અને ફક્ત મુમુક્ષુ એ અત્યંત આનંદ અને ઉત્સાહ ના ઉછળતા ભાવો સાથે ભાગવતી પ્રવ્રજ્યા સ્વીકાર કરી.
ડહેલાના સમૂદાયના રૂપવિજયજી ઉપાશ્રયની અદભૂત પરંપરા
તારીખ 28 એપ્રિલ 2024 ના રોજ સવારે ૬પ વર્ષીય મુમુક્ષુ હસુભાઈએ તેમના પરિવારજનો સાથે ડહેલાના ઉપાશ્રયે આગમન થતાં સૌએ અક્ષત થી વધાવેલ. બાદમાં દીક્ષાવિધિનો પ્રારંભ થયેલ. મુમુક્ષુને વિદાય તિલક કરવાનો લાભ હસાણી ચીનુલાલ ત્રિકમલાલ પરિવારે લીધેલ.આ પરિવારના ચીનુભાઈ, રાજુભાઈ, મુનાભાઈ, સ્વાતિબેન આદિ પરિવારજનોએ તેમને વિદાય તિલક કરેલ. ડહેલાના સમૂદાયના રૂપવિજયજી ઉપાશ્રયના પરંપરા અનુસાર ઉપાશ્રયના ટ્રસ્ટીશ્રી શ્રેયકભાઈ શેઠ તથા ભુપેન્દ્રભાઇ વરધીલાલ પારી આદિએ મુમુક્ષુને તિલક કરી સન્માનીત કરેલ. બાદમાં મુમુક્ષુને દિક્ષાવિધાન ક્રિયા માટે કટાસણા, મુહપતિ, ચરવળો ભરતભાઈ સીનોર પરિવારે અર્પણ કરી ધન્યતા અનુભવેલ બાદમાં સૌ પરિવારજનોએ પૂજ્યશ્રીને જ્ઞાન ના પુસ્તકો અર્પણ કરેલ. પૂજ્ય આચાર્ય શ્રી જગ્ગચંદ્ર સૂરીશ્વરજી મહારાજા એ શુભ મુહુર્તે મુમુક્ષુ હસમુખભાઈ ને ઓધો અર્પણ કરેલ. ત્યારે મુમુક્ષુ ઝુમી ઉઠેલ. ઉપસ્થિત સૌએ મુમુક્ષુને અક્ષતથી વધામણાં કરેલ. બાદમાં મુમુક્ષુ વેશપરિધાન માટે ગયેલ. નુતન સાધુ ભગવંત નુતન વેશ ધારણ કરી પધારતાં સૌએ અક્ષતથી વધામણાં કરેલ. નુતન મૂનિરાજનો નુતન નામ પાડવાનો લાભ મહેન્દ્રભાઇ સેવંતીલાલ દલાલ પરિવારે લીધેલ. બાદમાં તેઓએ નુતન નામ જાહેર પૂજ્ય મુનિરાજ શ્રી હ્રદયમંદીર વિજયજી મહારાજ સાહેબ કરેલ. દીક્ષા પ્રસંગે ગુરુપૂજન નો લાભ ગુરુભક્ત પરિવાર ચેન્નઈ દ્વારા લેવામાં આવેલ અને ઉછળતા ભાવો સાથે ગુરુપૂજન કરેલ.
દિયોદર નિવાસી હસુભાઈએ માતા ના પગલે ચાલી ગૌરવ વધાર્યું
દિયોદર નિવાસી કાંતિલાલ છોટાલાલ પરિવારના માતુશ્રી તારાબેન હાલે સંયમી પૂજ્ય સાધ્વીજી સંયમરસાશ્રીજી મહારાજ સાહેબ ની પ્રેરણા પામી તેમના સુપુત્ર મુમુક્ષુ હસમુખભાઈ એ દીક્ષા અંગીકાર કરી પૂજ્ય આચાર્ય શ્રી જગ્ગચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ને ગુરુપદે બિરાજમાન કરી તેમના 35માં શિષ્ય બન્યા. આ દીક્ષા પ્રસંગે ડહેલાના ઉપાશ્રયે રપ૦ વર્ષ પુરાણા આ ઉપાશ્રયમાં તપાગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી રામસૂરીશ્વરજી મહારાજા જે ત્રિગડા થી દીક્ષા અંગીકાર કરેલ એજ ત્રિગડા થી હસુભાઈ ને દીક્ષા અંગીકાર કરાવવામાં આવેલ. આ દીક્ષામાં વિશાળ સંખ્યામાં સ્નેહીજનો તથા સોમેશ્વર જૈન સંઘ સેટેલાઈટના સદસ્યો ઉપસ્થિત રહેલ. તેમજ નુતન દિક્ષીતના વિવિધ ઉપકરણના ચડાવા સારા ગયેલ.